લોર્ડ ભીખુ પારેખ અંગત લાઈબ્રેરી મ.સ. યુનિ.ને દાન કરશે

Thursday 03rd November 2016 07:01 EDT
 
 

વડોદરાઃ એમ. એસ. યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે પોતાની પર્સનલ લાઈબ્રેરી યુનિવર્સિટીને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તેમણે વસાવેલા ૬૦૦૦ ઉપરાંત પુસ્તકોનો સમાવેશ થાય છે. લોર્ડ ભીખુ પારેખની લાઈબ્રેરીમાં તેમણે પોતે લખેલા ૧૧ પુસ્તકો તેમજ આ પુસ્તકો લખતા પહેલા વિવિધ જાણકારી મેળવવા માટે વસાવેલા અન્ય પુસ્તકોનો સમાવેશ થાય છે. ૧૦૦૦ પુસ્તકો એવા છે કે જે વિશ્વના જાણીતા લેખકોએ તેમને મોકલી આપ્યા છે.
ફર્સ્ટ એડિશન કહેવાય ૨૫ જેટલા પુસ્તકો પણ તેમની લાઈબ્રેરીમાં છે. જેમાં કાર્લ માર્કસના પુસ્તક દાસ કેપિટલની ૧૮૬૧ની એડિશન પણ સામેલ છે.
ડો. પારેખનું કહેવું છે કે જ્યારે હું હયાત નહીં હોઉં ત્યારે આ લાઈબ્રેરીનું શું થશે તે બાબત કાયમ મને વિચારતો કરતી હતી. બ્રિટનમાં કેટલાક લોકોએ મારા પુસ્તક કલેક્શનમાં રસ બતાવ્યો હતો પરંતુ મારી ઈચ્છા કોઈ યુનિવર્સિટીને આખી લાઈબ્રેરી ડોનેટ કરવાની હતી. મારી પાસે બ્રિટનમાં એક, દિલ્હીની બે યુનિ.ના વિકલ્પ હતા. આખરે મનોમંથન બાદ મેં જ્યાં લેક્ચરર તરીકે ભણાવ્યું છે તે વડોદરાની એમ. એસ. યુનિ. મને શ્રેષ્ઠ વિકલ્પ લાગ્યો હતો. આ લાઈબ્રેરી માટે ટૂંક સમયમાં ડો. પારેખ અને એમ. એસ. યુનિવર્સિટી સત્તાધીશો વચ્ચે એક એમઓયુ થવાની પણ સંભાવના છે. જોકે આ પુસ્તકો હંસા મહેતા લાઈબ્રેરીમાં નહીં પરંતુ યુનિવર્સિટીમાં બની રહેલા સેન્ટર ફોર ઈન્ટરનેશનલ પોલિસી રિસર્ચમાં લાઈબ્રેરીમાં બનાવી મૂકવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter