વડોદરામાં મેઘો ગાંડોતૂર થયોઃ ૧૮ ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

Thursday 01st August 2019 04:58 EDT
 
 

વડોદરા, અમદાવાદઃ ગુજરાતમાં વિલંબથી પણ પૂરબહાર ચોમાસું જામ્યું છે. વડોદરામાં બુધવારે બારે મેઘ ખાંગા થતાં જનજીવન ખોરવાઇ ગયું છે. આ દિવસે માત્ર સાત જ કલાકમાં વીજળીના કડાકા–ભડાકા સાથે ૧૮ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડતાં શહેરની પરિસ્થિતિ ગંભીર બની હતી. વિવિધ સ્થળે ૪૨થી વધુ વૃક્ષો ધરાશાયી થયાં છે. અલગ અલગ ઘટનાઓમાં છ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યા છે. પશ્ચિમ વિસ્તારને અન્ય વિસ્તારો સાથે જોડતાં ચારેય ગરનાળામાં પાણી ભરાઈ જતાં ઠેર ઠેર કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. સેંકડો લોકોને નોકરી-ધંધાના સ્થળે જ રોકાઈ રહેવાની ફરજ પડી હતી. પાદરા પંથકમાં ભારે વરસાદના પગલે ૫૦ ગામનો સંપર્ક તૂટી ગયો છે.
વડોદરામાં બપોરે બેથી ચાર વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં છ ઈંચ અને સાંજે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં ફરી સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત પાંચ ઈંચ છૂટોછવાયો વરસાદ પડતાં એક જ દિવસમાં કુલ ૧૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ ઝડપભેર વધારો થતાં કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ કરાયા છે. એકધારા સતત વરસાદને કારણે તંત્રને પણ સાબદું કરાયું છે.
શહેર-જિલ્લામાં આમ તો ત્રણ દિવસથી ચોમાસાનો માહોલ જામ્યો છે. તેમાં પણ મંગળવાર સાંજથી આભ અનરાધાર વરસી રહ્યું છે. બુધવારે પણ વિરામ વગર અનરાધાર વરસાદ ચાલુ રહ્યો હતો. શહેરમાં ભારે વરસાદને કારણે સંખ્યાબંધ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોએ પાણી બહાર ઉલેચવા ભારે કસરત કરવી પડી હતી. આ ઉપરાંત શહેરના અનેક માર્ગો પર પણ પાણી ફરી વળતાં અનેક રસ્તાઓ પર વાહનવ્યવહારને અસર થઈ છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી લોકોને વર્ષ ૨૦૦૫માં ખાબકેલા વરસાદની યાદ તાજી થઈ ગઈ હતી.
સ્ટેશનનું ગરનાળું પણ બંધ થઈ જતાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના સંપર્ક વ્યવહારને પણ અસર પડી હતી. ઓવરબ્રીજ પર પણ ટ્રાફિકજામ થઈ જતાં હજારો વાહનચાલકો અટવાયા હતા. ભારે વરસાદના લીધે શાળા, કોલેજો, બેંકો, સરકારી કચેરીઓ તેમજ ખાનગી ઓફિસોમાં પણ કર્મચારીઓની પાંખી હાજરી વર્તાઈ હતી. આજે ગુરુવારે તો શાળા-કોલેજો, કોર્ટ-કચેરીઓમાં સજા જ જાહેર કરી દેવામાં આવી છે.

પાદરા સાથે ૫૦ ગામનો સંપર્ક તૂટ્યો

પાદરામાં બે દિવસથી સતત વરસી રહેલા વરસાદે બુધવારે માઝા મૂકી હતી. બુધવારે માત્ર ચાર કલાકમાં ૩ ઈંચ વરસાદ પડ્યો હતો. વાહનવ્યવહારથી સતત ધમધમતા પાદરા-જંબુસર હાઈવે પર વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. આથી એક સમયે તો વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પાદરા-જંબુસર હાઈવે પર વર્ષો બાદ પાણી ભરાયા હતા. પાદરા પંથકમાં સૌપ્રથમ વખત મંગળવારે મન મૂકીને વરસાદે ત્રાટકતા નીચા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. પાદરા-વડોદરા હાઈવે સિવાયના તમામ રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરાયો હતો તેથી ૫૦થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો.

ટ્રેનો આણંદ-વાસદ સ્ટેશને અટકાવાઇ

વડોદરા શહેર સહિત જિલ્લામાં બુધવારે પડેલા ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો સહિત ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. તેમાં પણ વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં તેના પાણી શહેરમાં ફરી વળ્યાં છે. વડોદરાં રેલવે લાઇન ટ્રેક પર અનેક જગ્યાએ પાણી ફરી વળતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અમદાવાદથી મુંબઈ જતી લોકલ ટ્રેનોને આણંદ અને વાસદ સ્ટેશને અટકાવી દેવાઇ હતી, જેના કારણે પેસેન્જરો અટવાઈ ગયા હતા. બીજી બાજુ, આણંદથી વડોદરા તરફ જતી એસટી બસો પણ અટકાવી દેવાઇ હતી.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી માંડીને છેક કચ્છ સુધી સાર્વત્રિક વરસાદના પગલે લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં તો દોઢેક માસથી મેઘરાજા વરસ્યા નહોતા. અંતે મેઘરાજા રિઝયા અને બુધવારે રાત સુધીમાં શહેરમાં ચાર ઈંચ પાણી વરસી ગયું હતું. નવસારીના ખેર ગામમાં અનરાધાર ૮ ઇંચ તો સુરતમાં ૨૪ કલાકમાં ૪ ઇંચ વરસ્યા બાદ બુધવારે વધુ બે ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના ૧૩ કોઝ-વે પાણીમાં ગરક થતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. આ ઉપરાંત ભારે વરસાદ અને ડેમ-તળાવ છલકાઈ જવાના કારણે ૨૬ ગામ સંપર્કવિહોણા બન્યા હતા.
સૌરાષ્ટ્રમાં બુધવારે અડધાથી ૩ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબીમાં વરસાદ ચાલુ જ છે. સોરઠમાં સૌથી વધુ ૭ ઈંચ વરસાદ ગિરનાર પર્વત પર વરસ્યો હતો. જૂનાગઢ, વિસાવદર, માણાવદરમાં ત્રણ ઇંચ પાણી વરસી ગયું હતું. ગાંધીધામમાં એક દિવસમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. માંડવીનું ટોપણસર, રૂકમાવતી ઓગન્યા છે. વિજયસાગરમાં ૧૧ ફૂટ પાણી આવ્યું હતું. મસ્કાનના ૪ ડેમ, ૨ તળાવ અને ગોધરાનું કેસરિયા તળાવ ઓવરફ્લો થયું હતું. અબડાસાના ખીરસરામાં શાળાની દીવાલ અને બસ સ્ટેશન ધરાશાયી થયા હતા. લખપતમાં બેથી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter