વાંસદામાં સાડા સાત ઈંચ વરસાદ પાર નદીમાં ત્રણ મહિલા તણાઈ

Wednesday 30th August 2017 09:22 EDT
 
 

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ૨૬મીએ સાંજે છ વાગ્યા સુધીમાં નવસારીના વાંસદામાં સાડા સાત ઈંચ જેટલો તોફાની વરસાદ નોંધાયો હતો. ડાંગમાં અતિ વરસાદને કારણે અંબિકા નદીમાં ભારે પાણી આવતાં સાત કોઝવે પાણીમાં ગરક થઈ ગયા હતા અને તેની સાથે જ દસ ગામો ૨૬મીએ બપોર બાદ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. સાપુતારામાં ૨૫મીની રાત પછી ૮પ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. વઘઈમાં ૨૬મીએ ૭૧ મિમી વરસાદ થયો હતો. આહવામાં ૧૮ મિમી અને સુબિરમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો.
વાપીના પારડીમાંથી પસાર થતી પાર નદીમાં પણ એકાએક જળસ્તર વધી જતાં ત્રણ મહિલાઓ તણાઈ ગઈ હતી. જે પૈકી એક મહિલા ગીતાબહેન ઈશ્વરભાઈ પટેલ (૫૦) તરતાં દેખાતાં લોકોએ તેમને બચાવી લીધાં હતાં જયારે જયોત્સનાબહેન રમેશભાઈ પટેલ (૪૫) લાપતા થયા હતા. દરમિયાન અન્ય મહિલા શીલાબહેન શંકરભાઈ પટેલનો કાંઠે ઉભેલા લોકોએ ડૂબકી મારીને શોધી કાઢયા હતા પરંતુ તેમનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter