વિદ્યાર્થીઓએ રોજ થોડા કલાક માટે સ્માર્ટ ફોન બાજુ પર મૂકી દેવો જોઈએ

Wednesday 18th January 2017 08:06 EST
 
 

વડોદરાઃ નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક ડો. વેંકટરામન રામક્રિષ્નનનું બાળપણ વડોદરામાં જ પસાર થયું હતું. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી વેંકીએ ડિગ્રી લીધી તે પહેલા તેઓ ફતેગંજની કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા હતા. જૂના સ્કૂલ મિત્રો સાથે વેંકી ૧૨મીએ સવારે સ્કૂલની મુલાકાતે પહોંચી ગયા હતા. વેંકી આવવાના છે તેવી જાણ સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના શિક્ષકોને પણ છેલ્લી ઘડીએ જ થઈ હતી. વેંકી સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી શકે તે માટે દોડધામ કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વેંકીએ સ્કૂલના સ્ટુડન્ટસ સાથે પણ લગભગ અડધો કલાક સુધી વાર્તાલાપ કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ પૂછેલા તમામ સવાલોના નિખાલસતાપૂર્વક જવાબો પણ તેમણે આપ્યા હતા.
વેંકટરામને વિદ્યાર્થીઓની સાથે વાર્તાલાપમાં જણાવ્યું કે, કોઇ પણ સંશોધન પાછળ રોજિંદા કેટલાક કલાકો કામ કરો છો, તેના કરતાં તેના પર કેટલું ફોકસ છે તે અત્યંત જરૂરી છે. નોબેલ વિજેતા વેંકટરામન ફોર્બ્સની યાદીના યુવાવિજ્ઞાની કરણ જાનીને પણ મળ્યા હતા.
સોશિયલ મીડિયાનું વળગણ
વેંકીએ જણાવ્યું કે, એક તરફ સોશિયલ મીડિયા વળગણ અને સમય બગાડનાર સાબિત થાય છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ તેના પરથી સારી માહિતી પણ મેળવી શકે છે. આજે જાણીતા વૈજ્ઞાનિકોના લેક્ચર ઓનલાઈન ઉપલબ્ધ છે. બીજી તરફ સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓનું ભણવામાંથી ધ્યાન બીજે દોરે છે. વિદ્યાર્થીઓએ રોજ સ્માર્ટ ફોન થોડા કલાક બાજુ પર મૂકી દેવો જોઈએ. તેના સિવાય આ સમસ્યાનો બીજો કોઈ ઉપાય હાલમાં તો મને દેખાતો નથી.
નોબેલ પ્રાઈઝનું આશ્ચર્ય
નોબેલ પ્રાઈઝ મળ્યાના ખબર મારા માટે આશ્ચર્યજનક હતા કારણકે નોબેલ પ્રાઈઝ કોને આપવું તે નક્કી કરવા માટે એક કમિટી હોય છે. આ કમિટિના એક સભ્ય સાથે રાઈબોસોમના રિસર્ચ અંગે વૈચારિક મતભેદો સર્જાયા હતા. એ પછી પણ મને નોબેલ પ્રાઈઝ મળ્યું તે મારા માટે સુખદ આશ્ચર્ય હતું.
ભારતનું ભવિષ્ય
ભારત ૧૦ વર્ષ પછી ક્યાં હશે તે કહેવું મુશ્કેલ છે. ભારત એક કરતાં વધુ દિશામાં જઈ શકે છે. હું ૬ વર્ષ પહેલા વડોદરા આવ્યો હતો. આજે વડોદરા ઘણું બદલાયું છે. જો ભારતમાં આયોજન અને માળખાકીય સુવિધાઓ વગરનો વિકાસ થશે તો અંધાધૂંધી વધશે.
જો ભારત સમૃદ્ધ થવાની સાથે સાથે આયોજન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ પાછળ વધારે રોકાણ કરશે તો તે બીજું ચીન પણ બની શકે છે. સરકારે આયોજનની સાથે સાથે સ્વચ્છતા, ભ્રષ્ટાચાર જેવી બાબતો અંગે પણ વિચારવું પડશે.
છેલ્લેથી ત્રીજા નંબરે પાસ
મારા સ્કૂલના દિવસો મજાના હતા. મને ભણાવનારા શિક્ષકો બહુ સમર્પિત હતા. છઠ્ઠા ધોરણ સુધી હું ક્લાસમાં ટોપ કરતો હતો, પરંતુ સાતમા ધોરણમાં હું આવ્યો ત્યારે અચાનક મારો અભ્યાસમાંથી રસ ઉડી ગયો હતો. હું કોમિક્સ વાંચવામાં સમય પસાર કરતો હતો.
તેમણે કહ્યું હતું કે મને યાદ છે કે સાતમા કે આઠમા ધોરણમાં તો હું ક્લાસમાં છેલ્લેથી ત્રીજા નંબરે હતો. પણ સારા શિક્ષકો હોય તો ભણવાની મજા આવતી હોય છે. સદનસીબે મારી ગાડી પાછી પાટે ચઢી ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter