શ્રીકૃષ્ણ હોસ્પિટલ દ્વારા એનઆરઆઈને આવકારવા ‘વેલકમ ડેસ્ક’ની સ્થાપના

Thursday 14th December 2017 01:37 EST
 
 

આણંદઃ ચારુતર આરોગ્ય મંડળ અને શ્રીકૃષ્ણ હોસ્પિટલ ચરોતર દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં મદદ કરી હોય તેવા એનઆરઆઈ દાતાઓની કૃતજ્ઞતાને બિરદાવતાં ‘વેલકમ ડેસ્ક’ની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય રીતે નાતાલના મહિનામાં તથા ઉત્તરાયણ પર્વની ઊજવણી માટે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં વિદેશમાં વસતા ભારતીયો - ગુજરાતીઓ વતનની મુલાકાતે આવતા હોય છે. શ્રીકૃષ્ણ હોસ્પિટલે એનઆરઆઈઓને આવકારવાર હોસ્પિટલના રિસેપ્શન વિભાગમાં ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ખાસ ‘વેલકમ ડેસ્ક’ બનાવી છે.
કેટલાક એનઆરઆઈ દાતાઓના કારણે સારવારનો ખર્ચ ન ઊઠાવી શક્યા હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં અત્યાધુનિક સારવાર અપાઈ છે. તેમને બિરદાવતાં બનાવાયેલી આ ડેસ્ક પર હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સગવડોની માહિતી અપાશે. સોમવારથી શુક્રવારે ૧૦ કલાકે, ૧૨ કલાકે અને ૩ કલાકે હોસ્પિટલની ગાઈડેડ ટૂર પણ (ઓફિસ અવર્સમાં) કરાવવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલની સ્પેશ્યાલિટી સર્વિસિસનો લાભ લેવા ઈચ્છુક એનઆરઆઈઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
આ હોસ્પિટલમાં આવતા વિવિધ રોગોથી પીડિતો અને તેના પરિવારના સભ્યોને સાંત્વના આપવાના હેતુને સાકાર કરવામાં દેશી અને વિદેશી દાતાઓની ઘણી ભૂમિકા રહી છે. વિદેશમાં રહેતા દાતાઓ અને શુભેચ્છકો વતનની મુલાકાતે હોય ત્યારે તેમને હોસ્પિટલમાં થતી પ્રવૃત્તિઓની જાણકારી મળી રહે તે હેતુથી આ ડેસ્ક સ્થપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter