સંક્ષિપ્ત સમાચાર (મધ્ય ગુજરાત)

Wednesday 20th December 2017 05:30 EST
 

• મોહનસિંહ રાઠવા ૧૦મી વખત પણ વિજેતા: કોંગ્રેસી નેતા અને આદિવાસીઓના મસીહા ગણાતા મોહનસિંહ રાઠવા સતત ૧૧મી વખત વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા પણ છે. સતત ૧૦મી વખત વિધાનસભા ચૂંટણી જીતવાનો તેમણે રેકોર્ડ કર્યો છે. મોહનસિંહ રાઠવા ૨૦૦૨ની ચૂંટણી પછી તેઓ છોટાઉદેપુરથી જ લડ્યા છે. છોટાઉદેપુરના અંતરિયાળ મતવિસ્તારમાંથી આગવી નૈતૃત્વ શક્તિને કારણે આદિવાસી સમાજે તેમને જીતાડી વિધાનસભામાં મોકલ્યા છે. મોહનસિંહે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત પોતાના વતન બાર ગામેથી સરપંચ પદની ચૂંટણી લડીને કરી હતી.
• સ્વામીબાપુ નામના ઠગ દ્વારા રૂ. ૬૧ લાખનો ચૂનો: આણંદના બાકરોલ ગામમાં રહેતા સંજય વિનોદભાઈ પટેલ અમેરિકામાં વસવા માટે ઇચ્છુક હતાં. અગાઉ તેમણે એ માટે ઘણા પ્રયત્નો પણ કર્યાં હતાં. તાજેતરમાં તેમને સ્વામીબાપુ નામના માણસનો ફોન આવ્યો હતો. સ્વામીબાપુએ ફોનમાં જણાવ્યું કે, પોતે અમેરિકાના વિઝા અપાવવાનું કામ કરે છે. આ માટે રૂ. ૧૧ લાખ જેટલો ખર્ચો થાય તેમ છે અને આ રકમ સંજયભાઈએ હપતામાં આપવાની રહેશે. સ્વામીબાપુએ સંજયભાઈને રૂ. પાંચ લાખ સાથે વડતાલ જ્ઞાનબાગમાં બોલાવ્યા હતા. સંજયભાઈ જ્ઞાનબાગમાં પહોંચ્યા તો એક માણસ તેમની સામે આવીને ઊભો અને સ્વામીબાપુનો અનુયાયી હોવાનું કહ્યું. એ પછી સ્વામીબાપુએ રૂ. પાંચ લાખ આ માણસ મારફત તેમને મોકલાવી આપવા ફોનમાં કહ્યું. બીજી વખત પણ માણસ મારફત જ સ્વામીબાપુને રૂ. છ લાખ સંજયભાઈએ મોકલી આપ્યા. આ વાતને થોડા દિવસ થયા પછી સંજયભાઈએ સ્વામીબાપુનો મોબાઈલ પર સંપર્ક કર્યો તો સ્વામીબાપુએ ટૂંકમાં કામ પૂરું થવાનું આશ્વાસન આપ્યું. આવા વાયદાઓ પછી સંજયભાઈએ એક વખત મોબાઈલ પર સંપર્ક કર્યો તો બાપુનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો. સંજયભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં આ ઘટનાની ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. એ પછી પોલીસે સંજયભાઈની ફરિયાદના આધારે સ્વામીબાપુની તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ ઠગે પોતાની ટોળકી સાથે મળીને લાંભવેલ, બાકરોલ, દાજીપુરા, ખાનકુવા, અમિતપુરા સહિતના ગામોના અન્ય ૧૩ જેટલા વિદેશ જવા ઈચ્છુકો પાસેથી કુલ રૂ. ૬૧ લાખ પડાવી લીધા છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
• NRI મહિલાનું નામ મતદાર યાદીમાંથી બાકાત: અમેરિકામાં વસતા ગુજરાતી હેમાક્ષીબહેન અશોકભાઈ પટેલ વિધાનસભા ચૂંટણીના મતદાન વખતે ભારતમાં હાજર હતાં. તેઓએ જણાવ્યું છે કે, હું મતદાન માટે સજાગ હતી અને મતદાન કરવા ઇચ્છતી હતી, પણ મારું નામ મતદાર યાદીમાં જ નહોતું. હું વડોદરામાં આવેલી તેજસ સ્કૂલમાં મતદારોની યાદી ચકાસવા ગઈ તેમાં મારું નામ ન હોવાથી નજીકમાં આવેલા સુભાનપુરા અંધશાળા મતદાન મથકમાં મતદારોના નામની યાદી તપાસવા ગઈ હતી. જોકે તેમાં પણ મારું નામ નહોતું. જેથી હું મતદાનથી વંચિત રહી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ મતદાર યાદીમાં નામ હોય તો બાદબાકી કેવી રીતે થઈ શકે? આ અંગે ચૂંટણીપંચે ચોક્કસ નીતિ નક્કી કરવી જોઈએ. મહિલાએ જણાવ્યું કે, મતદાન માટે જ ભારતમાં હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter