સંક્ષિપ્ત સમાચાર (મધ્ય ગુજરાત)

Wednesday 11th April 2018 07:52 EDT
 

• નોટબંધીમાં બિલ્ડરે લીધેલું લોકોનું કરોડો રૂપિયાનું કાળુ નાણું ડૂબ્યુંઃ વડોદરાની ડાયમંડ પાવર ઉન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા વિવિધ ૧૯ બેંકોમાંથી રૂ. ૨૬૫૪ કરોડના લોન કૌભાંડમાં કંપનીના ચેરમેન સુરેશ ભટનાગર, એમડી અમિત ભટનાગર અને સુમિત ભટનાગરે કરેલી આગોતરા જામીન અરજીનો ચુકાદો સીબીઆઇ જજ એન.જી. દવે ટૂંક સમયમાં આપશે. બીજી બાજુ બિલ્ડર લોબીમાં ચર્ચા કે અમિત ભટનાગરે નોટબંધી સમયે કેટલાય લોકો પાસેથી બ્લેકનાં નાણાં વ્હાઇટ કરવા લીધાં હતાં. જે પૈસા કન્સ્ટ્રકશન વ્યવસાય માટે લીધા હોવાનું મનાય છે. હવે અમિત ભટનાગર અન્ડર ગ્રાઉન્ડ થતાં આ બધાના નાણા ડૂબી ગયાં છે.
• સિંધરોટ ચેકડેમમાં સેલ્ફી લેવા જતાં ૪ મિત્રો ડૂબી ગયા અને ૧નું મોતઃ વડોદરાના બારોટ મહોલ્લામાં રહેતા ચાર યુવાન મિત્રો છઠ્ઠી એપ્રિલે સેવાસી આગળ સિંધરોટ ગામમાં આવેલી મહીસાગર નદીના ચેક ડેમમાં નહાવા પડ્યા હતા. ચારેય મિત્રો ચેક ડેમમાં નહાઈને બહાર આવી ગયા બાદ રાહુલ બારોટને સેલ્ફી લેવાનો વિચાર આવતાં ચારેય મિત્રો ફરી નદીમાં ગયા હતા. મોબાઈલમાં સેલ્ફી લેતા સમયે અચાનક જ ચારેય મિત્રોનું સંતુલન ડામાડોળ થતાં નદીના ઊંડાણવાળા ભાગમાં પડ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ ત્રણને બચાવી લીધા હતા જ્યારે રાહુલનું મોત નીપજ્યું હતું.
• પી ડી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એપ્લાઈડ સાયન્સિઝ દેશની શ્રેષ્ઠ ૫૦ કોલેજોમાંઃ સરકારના હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલોપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ) હેઠળ તાજેતરમાં ભારતની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની વર્ષ ૨૦૧૮ની રેન્કિંગ- જાહેર કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાંથી જેમાં મધ્ય ગુજરાતમાં આવેલી શિક્ષણ માટે પ્રખ્યાત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થા એવી પી ડી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એપ્લાઈડ સાયન્સિઝ દેશની ૫૦ શ્રેષ્ઠ કોલેજમાં સ્થાન પામી છે. આ ઉપરાંત આ સંસ્થાને ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મળવા પામ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter