સમરજિત ગાયકવાડ સહિત અનેક ભાજપમાં જોડાયાઃ

Friday 05th December 2014 08:30 EST
 

• વલસાડમાં વહેલી ભજન-બાંગ પોકારનાર સામે કેસ થશેઃ વલસાડમાં પોલપીસ દ્વારા યોજાયેલા લોકદરબારમાં મંદિર-મસ્જિદમાં વહેલી સવારે થતાં ભજન અને બાંગના મુદ્દે તેમ જ હોસ્પિટલો અને સ્કૂલો પાસે દિવસે ડી.જે.નાં અવાજ પ્રદુષણ અંગે વ્યાપક રજૂઆતો થઇ હતી. આથી રેંજ આઇજી હસમુખ પટેલે સવારે ૬ વાગ્યા પહેલાં ભજન-બાંગ કે અન્ય કોઇપણ અવાજ કરનારા સામે કેસ કરવા ડીએસપીને સૂચના આપી હતી. લોકદરબારમાં અગ્રણીઓએ રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધીમાં લાઉડસ્પીકર કે અન્ય વાજિંત્ર મોટા અવાજે વગાડી ન શકાય તેમ છતાં મસ્જિદોમાં જુદા જુદા સમયે વારાફરતી બાંગ પોકારાતી હોય આજુબાજુના રહીશોએ ભારે તકલીફ ભોગવવી પડતી હોવાની રજૂઆતો કરી હતી. મંદિરોમાં પણ આખી રાત ભજન-કીર્તનથી નજીકના રહીશોએ ભારે તકલીફ ભોગવવી પડે છે, તેવી પણ રજૂઆત થઇ હતી. 

કોકાકોલાને નર્મદાનું પાણી આપશો નહીંઃ રાજ્યસભામાં કોંગ્રેસનાં સાંસદ અહેમદભાઇ પટેલે રાજ્યનાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને પત્ર લખી કોકાકોલા જેવી મલ્ટીનેશનલ કંપનીને નર્મદા નદીનું પાણી આપવાનાં ગુજરાત સરકારનાં નિર્ણયનો વિરોધ કરી ચિંતા વ્યકત કરી છે. સરકારે અમદાવાદ નજીક સાણંદસ્થિત કોકાકોલા કંપનીને સરદાર સરોવર પરિયોજના અંતર્ગત નર્મદા નદીમાંથી પ્રતિદિન ૩ મિલીયન લીટર પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કર્યો હોવાથી અહેમદભાઇ પટેલે આ પત્રમાં વિરોધ પ્રદર્શિત કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, આ પરિયોજનાનો હેતુ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમ જ કચ્છ જેવા વિસ્તારો સુધી જરૂરિયાત મુજબ પાણીનો પુરવઠો મોકલી શકાતો નથી ત્યારે કોકા કોલાને નર્મદા નદીનો આટલો મોટો પાણીનો જથ્થો આપવાનો સરકારનો નિર્ણય આશ્ચર્યજનક અને વાંધાજનક બની રહે છે.
• ગોધરાકાંડના આરોપીના પાકિસ્તાની યુવતી સાથે નિકાહઃ વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગોધરાના ૩૧ વર્ષનાં ઇરફાન પાડાએ ન્યુ કરાંચીના ઉદ્યોગપતિની ૧૯ વર્ષીય પુત્રી મારિયા સાથે નિકાહ પઢયા હતા. સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવાના કેસમાં ગત સપ્ટેમ્બરમાં ગુજરાત હાઇ કોર્ટે ઇરફાન પાડાના જામીન મંજૂર કર્યા હતા. ઇરફાનના ૧૨ વર્ષે જામીન મંજૂર થયા તે પૂર્વે તે જ્યારે પેરોલ ઉપર છૂટયો હતો ત્યારે તેના મિત્રને ત્યાં પાકિસ્તાનથી આવેલી મારિયાને મળ્યો હતો. બંનેએ એકબીજાને પસંદ કર્યા હતા. ઇરફાન માને છે કે, તેની મારિયા સાથેની મુલાકાત બાદ ૧૫ દિવસમાં જ જામીન મળ્યા હોવાથી મારિયા તેના માટે શુકનવંતી છે.
• વડોદરા-સુરતમાંથી રૂ. ૫૪ કરોડનું કાળું નાણું ઝડપાયુંઃ આવકવેરા વિભાગે વડોદરાના શૈક્ષણિક જૂથ અને સુરતના બિલ્ડરને ત્યાં હાથ ધરેલા સર્વેમાં રૂ. ૫૪ કરોડનું બિનહિસાબી નાણું પકડ્યું છે. બાકરોલ ખાતે સિગ્મા ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટયૂટને ત્યાં દરોડા પાડીને સંચાલકોના ઘર અને ઓફીસમાંથી વિવિધ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન પેટે ઉઘરાવેલા લાખો રૂપિયાના ડોનેશનની રકમ સહિત રૂ. ૪૨ કરોડનું કાળુ નાણું પકડ્યું છે. જ્યારે સુરતના કતારગામના બિલ્ડરને ત્યાં હાથ ધરેલાં સર્વેમાં રૂ. ૧૨ કરોડની બેનામી આવક મળી હતી.
• અહેમદ પટેલે પછાત વાંદરી ગામ દત્તક લીધુંઃ રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતના ડુમકલ જૂથના વાંદરી ગામને દત્તક લીધું છે. આ ગામમાં આદિવાસીઓને જીવન જરૂરી પાયાની સુવિધાઓ ખૂબ જ ઓછી હોવાથી આ તેને દત્તક લીધું છે. રાજ્યની સરેરાશ સરખામણીએ આ ગામનો ૨૦૧૧માં સાક્ષરતા દર ૪૨.૪૬ ટકા હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter