સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિકની સંઘર્ષગાથાઃ રૂ. ૪૦૦ માટે મેચ રમ્યો, રમવા માટે બેટ નહોતું

Wednesday 23rd August 2017 06:55 EDT
 
 

૪૦૦ રૂપિયા માટે મેચ રમવાના દિવસો હાર્દિક ક્યારેય નહીં ભૂલી શકે અને બેટ પણ કોઈની પાસે માંગવું પડતું હતું. હાર્દિક પંડ્યા જાતે કહે છે કે ચાર વર્ષ પહેલાં તો હું ઠીકથી વાત પણ નહોતો કરી શકતો. હું માત્ર અંગ્રેજી બોલવા માગતો હતો,
પણ બોલી નહોતો શકતો. આ સમયે લોકો મારી ઠેકડી ઉડાવતા, પણ તેથી મારો વિશ્વાસ વધુ મજબૂત થયો.
૨૩ વર્ષનો હાર્દિક આજે ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્ત્વના સ્થાને છે. ઓલરાઉન્ડર તરીકે ઉભરેલો હાર્દિક ૨૦૧૬માં આઈસીસી વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ફાઈનલ ઓવરમાં સારી બોલિંગ કરીને ચર્ચામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પહેલાં સુધી હાર્દિક ગુજરાતના કોઈ ગામમાં ૪૦૦ રૂપિયા માટે મેચ રમવા માટે તૈયાર થઈ જતો હતો. ૨૦૧૫માં મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકને દસ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
એક સમયે હતો, જ્યારે હાર્દિકના ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેના પિતા હિમાંશુભાઇનો કાર ફાઇનાન્સનો ધમધમતો બિઝનેસ હતો. પણ હાર્દિક અને ભાઈ કુણાલની ક્રિકેટની ટ્રેનિંગ માટે તેઓ પોતાનો સારો ચાલતો ધંધો બંધ કરીને સુરતથી વડોદરા આવી ગયા હતા. અહીં બિઝનેસ ન ચાલ્યો. નાનું-મોટું કામ કરીને ઘર ચલાવવા લાગ્યા હતા. આ દરમિયાન હિમાંશુભાઇને બીમારીએ જકડી લીધા હતા. બે વર્ષમાં ત્રણ એટેક આવ્યા. ડાયાબિટીસના દર્દી તો હતા જ. તેવા મુશ્કેલ સમયમાં હાર્દિક અને તેના ભાઈએ લોકલ ટૂર્નામેન્ટ મેચથી પૈસા કમાઈને ઘર ચલાવ્યું હતું. હાર્દિક નવ ધોરણ પાસ છે. તેણે કિરણ મોરે એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી છે. કિરણ મોરેને તેની આર્થિક સ્થિતિની જાણકારી થઈ ત્યારે તેમણે કોઈ ફી નહોતી લીધી.
૨૦૧૪ સુધી હાર્દિક પાસે પોતાનું બેટ પણ નહોતું. વિજય હજારે ટ્રોફીમાં તે ઇરફાન પઠાણ પાસેથી બેટ ઉછીનું લઈને રમ્યો હતો. હાર્દિક પોતાની હેર સ્ટાઇલને કારણે હેરી નામે ઓળખાય છે. જ્યારે હાર્દિકે કિરણ મોરે એકેડમી જોઈન કરી હતી ત્યારે ૫ વર્ષનો હતો. કિરણ મોરે પોતાની એકેડમીમાં ૧૨ વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહોતા આપતા પણ હાર્દિકની બેટિંગ સ્ટાઈલથી એટલા ખુશ થઇ ગયા હતા કે તેણે તેને નાની વયે જ પ્રવેશ આપી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter