સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ૭૨ મીટર ઊંચી ટેકરી કાપી ફાઉન્ડેશન બનાવાયું

Friday 03rd July 2015 06:02 EDT
 
 

વડોદરાઃ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કેવડિયા ખાતે નિર્માણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નર્મદા બંધ નજીક ૭૨ મીટર ઊંચી સાધુ ટેકરીને કાપીને ૫૨.૫ મીટરનું ફાઉન્ડેશન તૈયાર કરાયું છે. આ સ્થળે આવવા જવા માટે નદી ઉપર ૨૦૦ મીટરનો લોખંડનો બ્રિજ નિર્માણાધિન છે. સાધુ ટેકરીને બ્લાસ્ટિંગથી ખોદકામ કરી કાપીને (કટિંગ) મશીનોથી સમથળ બનાવી ફાઉન્ડેશન સમથળનું કામ ચાલી રહ્યું છે. અત્યારે ૫૨.૫ મીટર સુધીનું લેવલનું કામ પૂર્ણ થયું છે.

વધુમાં ડેમ સ્થળથી ટેકરી પર જવા-આવવા માટે વચ્ચે નદી હોવાથી તેના ઉપર લોખંડનો ડેઈલી બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. પ્રોજેકટ ઈજનેરના જણાવ્યા મુજબ સાધુ ટેકરીથી ૨૦૦ મીટર લાંબો બ્રિજ બનશે. જેના ૯થી ૧૦ ગાળા બનશે. ટૂંક સમયમાં આ બ્રિજનું કામ પણ પૂર્ણ થશે. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કામગીરી માટે વાહનોની અવરજવર સરળતાથી થશે.

આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રકચરનું કામ પણ ઝડપથી રહ્યું છે. એલએન્ડ ટી કંપનીએ યુદ્ધના ધોરણે કામકાજ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી ઊંચી સરદારની આ પ્રતિમાનો પ્રોજેકટ રૂ. ૨૯૮૯ કરોડના ખર્ચે વર્ષ ૨૦૧૮ સુધીમાં પૂર્ણ થશે. ઓક્ટોબર-૨૦૧૪માં એલ એન્ડ ટીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કામકાજમાં ૨૨૫૦૦ ટન લોખંડ વપરાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પ્રમાણે દેશભરમાંથી ખેતીના ઓજારોનું લોખંડ ભેગું કરી લોકોની લાગણીઓને પણ આ પ્રોજેકટ સાથે જોડી દઈ મોટાપાયે લોખંડ ભેગું કરાયું છે.

યુએસએના સ્ટેચ્યુ ઓફ લીબર્ટી કરતાં ડબલ ઊંચાઈની વિશાળ પ્રતિમા સમગ્ર ભારતનું જ નહિ વિશ્વનું ગૌરવ બની રહેશે અને નર્મદા બંધ સ્થળ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું મહત્વનું કેન્દ્ર બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter