‘ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન’ના ઉપક્રમે આણંદમાં વિદેશવાસીઓઓનું સંમેલન

Wednesday 06th February 2019 05:47 EST
 
 

આણંદઃ પહેલી ફેબ્રુઆરીએ આણંદ એનઆરજી સેન્ટરમાં ‘ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન’ દ્વારા એનઆરજી-એનઆરઆઇ મીટ યોજાઈ હતી. આ સંમેલનના ઇન્ચાર્જ તથા ફાઉન્ડેશનના ડિરેકટર એન. પી. લવિંગિયાએ કાર્યક્રમમાં જણાવ્યું કે, ગુજરાત બહાર ભારતના અન્ય રાજ્યમાં કે વિદેશમાં વસતાં એનઆરજી-એનઆરઆઇ હવે ઘેરબેઠાં ગુજરાત કાર્ડ મેળવી શકે છે. ગુજરાત કાર્ડ એ એનઆરજી-એનઆરઆઇ માટે ગુજરાતી તરીકેની ઓળખ છે.
હવે ગુજરાત કાર્ડ માટે ઓનલાઇન સુવિધા
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એનઆરજી-એનઆરઆઇને ગુજરાત કાર્ડ મેળવવા માટે ફોર્મ ભરીને એનઆરજી સેન્ટરમાં આપવા પડતાં હતા, પરંતુ હવે ગુજરાત કાર્ડ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ગુજરાત કાર્ડ ધરાવતાં એનઆરજી-એનઆરઆઇને રાજ્ય સરકારની કોઇપણ કચેરીમાં કામ માટે જાય ત્યારે તેઓના કામને અગ્રતા આપવામાં આવે છે. તેમજ ગુજરાત ટુરિઝમના ગેસ્ટ હાઉસ, રણોત્સવ અને સાપુતારા મહોત્સવમાં તેમજ ૬૧૦ જેટલી હોટેલ અને સ્ટોર્સમાં ડિસ્કાઉન્ટ પણ મળે છે. ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશનના ઇન્ચાર્જ ડિરેક્ટર એન. પી. લવિંગિયાએ વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં ૨૨૦૦૦ ઉપરાંત ગુજરાત કાર્ડ ઇશ્યુ થઈ ચૂક્યાં છે.
લવિંગિયાએ ગુજરાત બહાર અન્ય રાજ્યો કે વિદેશમાં વસતાં ગુજરાતીઓને નવી પેઢીને ગુજરાતની ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રાખવા માટે આહવાન કર્યું હતું. વિશ્વના કોઇ પણ ખૂણામાં રહો તમારા બાળકોને એક કલાક તો ગુજરાતીમાં વાત કરવાની ફરજ પાડવી જોઇએ. આ પ્રસંગે વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઇ પટેલ, માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઇ પટેલ, પૂર્વ મંત્રી રોહિત પટેલ, ઇન્દ્રજીત પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવી પેઢીને ગુજરાત સાથે જોડવાનો પ્રયાસ
લવિંગિયાએ જણાવ્યું કે, ગુજરાત બહાર ભારતના અન્ય રાજ્યોમાં વસતાં ગુજરાતીઓની નવી પેઢીને ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડી રાખવા માટે સરકારે ગુજરાત પરિભ્રમણ યોજના અમલમાં મૂકી છે. જેમાં ૧૮થી ૨૫ વર્ષના યુવાઓની ટીમનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ ઘડાય છે. દસ દિવસના પ્રવાસ દરમિયાન તેમને ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત બાદ છેલ્લા દિવસે ગાંધીનગરમાં સચિવાલય અને મુખ્ય પ્રધાન સાથેની મુલાકાતનું આયોજન થાય છે. આ પ્રવાસ માટે છેલ્લા પાંચ વર્ષથી જેઓ એક પણ વખત ગુજરાત આવ્યા નથી તેઓને પ્રાધાન્ય અપાય છે. અત્યાર સુધીમાં તમિલનાડુની એક ટીમ મુલાકાત લઇ ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter