• રૂ. ૬૫ કરોડથી વધુના આરટીજીએસ દ્વારા સોનાની ખરીદીનું કૌભાંડ

Wednesday 11th January 2017 06:32 EST
 

નોટબંધી બાદ ૨૩૧ સેવિંગ્સ અને ૯ કરંટ એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ. ૬૫ કરોડથી વધુ રૂપિયા જમા કરાવી તે રૂપિયાનું આરટીજીએસ દ્વારા સોનું ખરીદીને ‘બ્લેકના વ્હાઈટ’ કરવાના કૌભાંડમાં સુરતના મહર્ષિ ચોકાસ અને હિમાંશુ રજનીકાંત શાહની ગાંધીનગર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આઠમીએ પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સીબીઆઈએ BOI બેંકના એજીએમ જે આર બંસલ અને સુરત પીપલ્સ કો.ઓ. બેંકના મેનેજર એન આઈ ગામીત તેમજ ખાતાં ખોલાવનારા મહર્ષિ તથા હિમાંશુને પાંચમીએ નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા છતાં કોઈ હાજર ન થતાં છઠ્ઠીએ સીબીઆઈએ ચારેયની ધરપકડ કરી હતી. તેના એક દિવસ પછી તેમને છોડી મુકાયા બાદ આઠમીએ મહર્ષિ અને હિમાંશુની ફરી પૂછપરછ થઈ હતી.

• યુવકની હત્યા બાદ ધડથી અલગ કરાયેલું ડોકું મળ્યુંઃ ભેસ્તાન વિનાયક રેસિડેન્સી સામે આવેલા ઝાંખરાવાળા મેદાનમાંથી યુવાન આસિફ પઠાણનું ધડથી અલગ કરી ફેંકી દેવાયેલું ડોકું સાતમીએ પોલીસને મળી આવ્યું હતું. છઠ્ઠીએ યુવાન ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા આસિફની હત્યાનો ભેદ પોલીસ ઉકેલી રહી છે.

• તાતીથૈયામાં રૂ. ૭.૫૦ કરોડનું જમીનકૌભાંડઃ સુરતના નાનુભાઈ પાનસુરિયાએ ૨૦૧૪માં પલસાણાના તાતીથૈયામાં ૬ વીઘા જમીન ખરીદી હતી. બિનખેતીલાયક આ જમીન સવિતાબહેન વિઠ્ઠલભાઈ પટેલના નામે હતી. વિઠ્ઠલભાઈ નાનુભાઈના પરિચયમાં હોવાથી આ સોદો થયો હતો. નાનુભાઈ અને વિઠ્ઠલભાઈએ જમીન અંગે સોદાચિઠ્ઠી સાદા કાગળમાં બનાવી હતી. નાનુભાઈએ રોકડ અને ચેકથી વિઠ્ઠલભાઈ, તેની દીકરી શિલ્પાબહેન પરવડિયા તથા શિલ્પાના પતિ જતીનકુમારને રૂ. ૭.૫૦ કરોડ રૂપિયા ચૂકવી દીધા અને જમીનના દસ્તાવેજ કરવા કહ્યું, પણ વિઠ્ઠલભાઈ અને પરિવારે દસ્તાવેજ માટે બહાના બનાવતાં નાનુભાઈએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, સુરતના ૧૪ વ્યક્તિઓનાં નામે આ જમીનના દસ્તાવેજ છે. આ બાબતની ફરિયાદ નાનુભાઈએ હવે પોલીસમાં નોંધાવી છે.

• ભાવ તળિયે જતાં હજારો મણ ટામેટા ફેંકી દેવાયાઃ નર્મદા જિલ્લામાં સારી ગુણવત્તાના ટામેટાનું વિપુલ ઉત્પાદન આ વર્ષે થયું છે, પરંતુ નોટબંધીને કારણે ટામેટાના ભાવ ગગડી જતાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ટામેટા બાગાયતી રોકડિયો પાક ગણાતો હોવા ઉપરાંત શિયાળાની ઠંડીની સિઝનમાં ટામેટાની ભારે માગ હોય છે. નાંદોદ તાલુકાના નિકોલ વિસ્તારમાં પુષ્કળ થાય છે અને આ વખતે નોટબંધીની અસરથી માત્ર નિકોલ ગામમાં જ ૧૫થી ૨૦ લાખનું નુકસાન ખેડૂતોને થયાના અંદાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter