મધ્ય પ્રદેશના ૪૩ શ્રમિકો હિંમતનગરથી રવાના

Tuesday 28th April 2020 15:38 EDT
 

હિંમતનગરઃ એપ્રિલના પ્રારંભે પગપાળા વતનની વાટ પકડી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશેલા પરપ્રાંતીય શ્રમિકોને હિંમતનગરના શેલ્ટર હોમમાં આશ્રય અપાયા બાદ ૨૬મી એપ્રિલે સાંજે બસમાં મધ્ય પ્રદેશના ૪૩ શ્રમિકોને ૨૩ દિવસ પછી તેમના વતન મોકલવામાં આવતાં શ્રમિકો ઝૂમી ઉઠયા હતા.
આ પરપ્રાંતીયોએ રહેવા અંગે વિરોધ નોંધાવતા કલેકટર દ્વારા તેમને અગાઉ હૈયાધારણ અપાઇ હતી કે તેમને જેમ બની શકે તેમ જલદીથી યોગ્ય રીતે વતન મોકલી આપવામાં આવશે. ગુજરાત અને મધ્ય પ્રદેશ બંને રાજ્યોની સરકાર વચ્ચે વાતચીત થયા બાદ મધ્ય પ્રદેશના આશ્રિતોને તેમના વતન મોકલવા નિર્ણય લેવાયો હતો.
તંત્રએ આ અંગે જણાવ્યું કે, સાબરકાંઠા કલેકટરની સૂચનાને પગલે ૨૫મી એપ્રિલે હિંમતનગરના ચાર શેલ્ટર હોમમાં રાખવામાં આવેલા મધ્ય પ્રદેશના ૪૩ શ્રમિકોને રાત્રે આઠેક વાગ્યે બે બસમાં પર્યાપ્ત ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવા અને તેનું કડક પાલન કરાવવાની સૂચના સાથે રવાના કરાયા હતા. તેમને રવાના કરતાં પહેલાં તમામનું મેડિકલ ચેકઅપ પણ કરાયું હતું. શ્રમિકોને મધ્ય પ્રદેશની બોડર સુધી છોડવામાં આવ્યા હતા અને ત્યાંથી મધ્ય પ્રદેશ પ્રશાસન દ્વારા શ્રમિકોને ગાઈડલાઈન મુજબ તેમના વતન અથવા ઘરે પહોંચાડવાની વ્યવસ્થા વિચારાઈ છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ૨૪૪ શ્રમિકોની પણ આ પ્રકારે જ વ્યવસ્થા વિચારાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter