વડોદરા: ગુજરાતમાં પ્રથમ વખત રૂ. ૧૨૦૦ કરોડનું માર્કેટ કેપિટલ ધરાવતી લિસ્ટેડ કંપની મનપસંદ બેવરેજીસ લિમિટેડનું રૂ. ૩૦૦ કરોડનું બોગસ બિલ કૌભાંડ ઝડપાયું છે. જીએસટી ચોરીના આ કૌભાંડમાં કંપનીના એમ ડી અભિષેક સિંઘ, હર્ષવર્ધન સિંઘ અને સીએફઓ પરેશ ઠક્કરની ધરપકડ કરાઇ છે. મનપસંદ બેવરેજીસ લિમિટેડે રજૂ કરેલા ગત નાણાંકીય વર્ષના આર્થિક પરિણામોના આધારે સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ, વડોદરા-૨ના અધિકારીઓને બોગસ બિલ કૌભાંડની ભાળ મેળવવામાં સફળતા મળી છે.
અત્યાર સુધીમાં કંપનીઓ કાગળ પર બનાવીને જીએસટી ચોરી કરવાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવ્યા છે, પરંતુ પ્રથમ વખત સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની દ્વારા રૂ. ૩૦૦ કરોડના બોગસ બિલો બનાવીને રૂ. ૪૦ કરોડની જીએસટીની ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે.
મનપસંદ બેવરેજીસ લિમિટેડ દ્વારા કાગળ પર કંપની ઉભી કરીને તેના પર મોટા પ્રમાણમાં માલની હેરફેર દર્શાવવામાં આવતી હતી. તેના દ્વારા અન્ય કંપનીઓને ક્રેડિટનો ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો. બોગસ કંપનીઓનાં રિટર્ન પણ ફાઇલ કરાતા હતા, પરંતુ ગત નાણાંકીય વર્ષના ફાઇનાન્શિયલ રિપોર્ટને કારણે કંપનીનો ભાંડો ફૂટી ગયો હતો. જેને પગલે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

