મને કેન્સર પણ નથી અને અમેરિકા પણ જવાની નથીઃ આનંદીબેન

Monday 13th April 2015 11:20 EDT
 

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની તબિયતને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી અનેક અટકળો અને વાતો ચાલે છે. આથી ખુદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્ય પ્રધાને તેમની આવી વાતો માત્ર અફવા હોવાનું જણાવી ખુલાસો કરવાની ફરજ પડી હતી. મુખ્ય પ્રધાને સ્પષ્ટ જણાવ્યું કે તેમની ૯૦ દિવસ બહાર જવાની વાતો માત્ર અફવા છે.

આનંદીબહેન પટેલની તબિયતને લઈને દરેક કક્ષાએથી છેલ્લા ઘણા સમયથી નવી-નવી વાતો અને અટકળો વહેતી થતી હતી. તેઓ કોઈ બિમારીમાં સપડાયા છે અને તેની સારવાર માટે અમેરિકા જવાના છે. ૯૦ દિવસ સુધી તેઓ ત્યાં રોકાશે, આવી અનેક પ્રકારની અફવાઓ ચાલતી હતી. આવી ફેલાવવા પાછળ ભાજપનું જ એક જૂથ હોવાનું પણ માનવામાં આવે છે.

આ અફવાને લઈને લોકોમાં પણ ઉત્તેજના સર્જાઈ હતી. આથી રવિવારે પ્રદેશ ભાજપની કારોબારીમાં ખુદ પ્રદેશ ભાજપ અધ્યક્ષે આ મામલે સત્તાવાર ખુલાસો કરવાની ફરજ પડી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી.ફળદુએ કારોબારીમાં ઉપસ્થિત આનંદીબહેનના વિરોધી જૂથને ઝાટકતાં જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને કેન્સર છે. તેઓ અમેરિકા જાય છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બદલાશે. આવો જે કુપ્રચાર થઈ રહ્યો છે તે માત્ર અફવા છે. પરંતુ આવો કુપ્રચાર ફેલાવનારાઓ બરાબર સમજી લે કે પાર્ટી તેને જરા પણ નહીં ચલાવી લે. આનંદીબહેન જ મુખ્ય પ્રધાન પદે રહેવાના છે તે નક્કી છે. આમ, ફળદુએ અત્યાર સુધી ભાજપના કાર્યકરો જે વાત કાનમાં કરતાં હતાં તે તેમણે માઈક પરથી કરી હતી.

જ્યારે કારોબારી બેઠક સંપન્ન થયા બાદ પત્રકારો સાથેની ચર્ચામાં ખુદ આનંદીબહેને અફવાનું ખંડન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘તમે બધા જ આ વાતો ફેલાવો છો. ૯૦ દિવસ બહાર જવાના છે. જે બધી વાતો માત્ર અફવા છે. અફવા એ માત્ર અફવા છે. રશિયાના પુતીન જ્યારે અદૃશ્ય થઈ ગયા ત્યારે, બહાર આવે ત્યારે અફવા ફેલાતી હતી કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ક્યાંક ફરવા ગયા છે. પરંતુ પુતીન જ્યારે સામે આવ્યા ત્યારે એમણે પત્રકારોને સરસ જવાબ આપ્યો હતો કે આવી અફવા ન ફેલાય તો રાજનીતિમાં જીવવું મુશ્કેલ થતું હોય છે. અફવા તો ફેલાવવી જ જોઈએ. પરંતુ અફવા માત્ર અફવા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter