અમદાવાદ: ઈસરોના વિજ્ઞાની અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક)ના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રાએ પાંચમીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, તેમને ૨૦૧૭માં ઝેર આપવામાં આવ્યું હતું. ઝેરની તેમના શરીર પર વિપરીત અસર થઈ હતી અને લોહીનું પ્રમાણ ઘટી ગયું હતું, પરંતુ તુરંત સારવાર મળી જવાથી તેઓ બચી ગયા હતા.
તેમણે આ ખુલાસો પોતાની ફેસબૂક વોલ પર લાંબી પોસ્ટ લખીને કર્યો હતો. આ સાથે પોતાના શરીરમાંથી આર્સેનિક ઝેર મળ્યાના મેડિકલ રિપોર્ટ અને પોતાની વિપરીત શરીર સ્થિતિના ફોટા પણ તેમણે મૂક્યા હતા.
તપન મિશ્રાએ લખ્યું હતું કે, ૨૦૧૭માં બેગલુરુમાં તેઓ ઈસરો માટે ઈન્ટર્વ્યુ લેવા ગયા હતા ત્યારે નાસ્તામાં ઝેર આપવામાં આવ્યું હતું. આ ઝેરને કારણે બે વર્ષ તેમની સારવાર કરવી પડી હતી.
ઝેરની માત્રા ખૂબ વધુ
સારવાર કરનારા તબીબોએ કહ્યું હતું કે, આટલી માત્રામાં ઝેર આપ્યા પછી બહુ ઓછા લોકો બચી શકે છે તમે નસીબદાર છો. ઝેર કોણે અને શા માટે આપ્યું હતું તેની તપાસ થવી જોઈએ એવો સૂર મિશ્રાએ પોસ્ટમાં વ્યક્ત કર્યો હતો.
તેમણે લખ્યું હતું કે, આ ઝેર વિશે મારે કોઈને વાત ન કરવી એવી પણ સૂચના મને એક ભારતીય-અમેરિકન પ્રોફેસરે ૨૦૧૯માં આપી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રખર અવકાશ વિજ્ઞાની વિક્રમ સારાભાઈનું મોત પણ રહસ્યમય રીતે થયું હતું. એ ઉપરાંત ઈસરોના અનેક વિજ્ઞાની-એન્જિનિયરો રહસ્યમય રીતે મૃત્યુ પામતા જ રહે છે. એ સંજોગોમાં એવી શંકા પ્રબળ બની રહી છે કે, ઈસરોના વિજ્ઞાનીઓને ખતમ કરવા માટે કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કામ કરી રહ્યું છે.
જાન્યુઆરીમાં નિવૃત્તિ
બીજી તરફ તપન મિશ્રા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર હતા ત્યાંથી તેમને બેંગલુરુમાં ઈસરોના મુખ્યાલયમાં ટ્રાન્સફર કરાયા હતા. એે બદલીને કારણે ઈસરોના પ્રમુખ તરીકે પસંદગી થવાની તેમની તક ઘટી ગઈ હતી. એ વખતે તેમની બદલી અટકાવવા માટે ઘણા વિજ્ઞાનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. મિશ્રા આ જાન્યુઆરીમાં જ નિવૃત્ત થઈ રહ્યા છે તેથી તેમણે આ વાતની તપાસ કરવા હેતુથી ઘટના જાહેર કરી હોવાનું જણાવ્યું હતું.














