અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી થઈ હતી. આ વર્ષે સંક્રાંત અને વાસી સંક્રાંતે પવન સાનુકૂળ હોવા છતાં પતંગ ઓછા ચગ્યા હતા. જો કે ઉજવણીની વિવિધ રીત થકી લોકોએ ઉત્તરાયણ ઉજવી હતી. ધાબા પર પુષ્કળ સેલ્ફી અને ફોટા પાડીને સોશિયલ મીડિયામાં હેપ્પી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણના મેસેજ સાથે શેર કર્યાં હતા. મિત્રમંડળ અને કુટુંબીઓ સાથે ધાબે પતંગ ઉડાડવા સાથે કાયપો છે... લપેટ લપેટ... ઢીલ છોડ...ખેંચ...ના નારા લગાવ્યા હતા. પતંગની મજા સાથે ઉંધિયા, પુરી, લીલવાની કચોરી, શુદ્ધ ઘીની જલેબીની મહેફિલ લોકોએ જમાવી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષ કરતા આ વર્ષે અમદાવાદ શહેરમાં ધાબા પરથી પડી જવાના અને દોરીથી ગળું કપાવાના અનેક કિસ્સા વધુ નોંધાયા છે.
આ વર્ષે મોંઘવારીના કારણે પતંગ-દોરાના ભાવમાં ૩૦ ટકા વધારો થયો હતો. તેના કારણે પતંગ-ફિરકીનું વેચાણ માંડ ૬૦થી ૭૦ ટકા થયું હતું.
૫૦૦થી વધુ પક્ષીનાં મોત
ઉત્તરાયણે રાજ્યમાં દોરીથી ૫૦૦થી વધુ પક્ષીનાં મોત નિપજ્યાં છે જ્યારે બે હજારથી વધુ ઘાયલ થયાં હતાં. મહેસાણામાં ૫૨ને ઈજા, ૧૦નાં મોત, અરવલ્લીમાં ૧૩૫ ઘાયલ, વિરમગામમાં ૩૦ ઘાયલ, સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રામાં ૧૦૨ ઘાયલ, ૩૦નાં મોત. દક્ષિણ ગુજરાતમાં ૧,૧૪૭ ઘાયલ, ૭૬નાં મોત, સુરતમાં ૧,૦૧૦ ઘાયલ જેમાં ૬૨નાં મોત, કચ્છમાં ૨૫૦ ઘાયલ, ૨૦નાં મોત, મધ્ય ગુજરાતમાં ૪૦નાં મોત, ૬૩૫ને ઈજા, બનાસકાંઠામાં ૧૪૭ ઘાયલ, ભાવનગરમાં ૨૦ પક્ષીનાં મોત નિપજ્યાં હતાં. રાજકોટમાં ૬૬૦, જામનગરમાં ૫૦, મોરબીમાં ૪૦ પક્ષી ઘાયલ થયા હતા. પોરબંદરમાં૧૦ પક્ષીનાં મોત નિપજ્યાં હતાં.
રિવરફ્રન્ટમાં ભીડ જામી
સામાન્ય રીતે લોકો પોતાના ઘરના ધાબા કે ફ્લેટના ધાબા પર પતંગ ચગાવવાનું પસંદ કરે છે. તેના બદલે આ વર્ષે રિવરફ્રન્ટ પર પતંગ ચગાવાનારી સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. તેનું કારણ એવું પણ હોય શકે છે કે ધાબા પર પતંગ ચગાવતી વખતે પડી જવાનો ભય રહે છે જ્યારે નદી કિનારે ખુલ્લા મેદાનમાં આવો કોઈ ભય રહે નહીં. બીજું કે નદીનો પટ હોવાથી પવનની ગતિ પણ સારી એવી મળી રહે. આ ઉપરાંત વડા પ્રધાન આવવાના હોઈ વિશાળ ડોમ જોવા મળે અને રાત્રે રોશની જોવા મળે. તે સિવાય પોળમાં ઉત્તરાયણ ઉજવવાનો આઈડિયા સુપરહિટ રહ્યો હતો. પોળમાં ઉત્તરાયણ માટે પેકેજ હતા તેનો સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ પૈસા ખર્ચીને મનગમતો આનંદ મેળવ્યો હતો.
ઉત્તરાયણ ૨૦૧૯
• રાજ્યમાં ઘાતક દોરીથી ૧૭ લોકોની જિંદગી કપાઈ
• રાજકોટમાં ૧નું મોત નીપજ્યું
• બોરસદમાં ધાબા પરથી પટકાતાં યુવકનું મોત
• મહેસાણામાં આઠ વર્ષના બાળકનું ગળું કપાતાં મોત
• આણંદના બદલપુરમાં બાઈક ચાલકનું મોત
• ડીસામાં ધાબા પરથી પટકાતાં બાળકીનું મોત
• ભાવનગરના મહુવામાં બે બાળકનાં મોત
• ધોળકાના રામપુરામાં ગળું કપાતાં યુવકનું મોત
• મોડાસાની યુવતીનું ગાંધીનગરમાં દોરી કપાતાં મોત
• વડોદરામાં દોરીથી ગળું કપાતાં બેનાં મોત
• દાહોદમાં એકનું, પંચમહાલમાં બે, નર્મદામાં બેનાં મોત
• સુરતમાં ગળું કપાતાં આધેડનું મોત
• વલસાડ-બિલીમોરામાં ગળું કપાતા ઈજાના ૨, કિમમાં દોરીથી ગળું કપાવાના ૧૦ બનાવ
• અમદાવાદમાં ૧૦૮ને ૩૮૫ કોલ
• દોરીના લીધે વાહન અકસ્માતમાં ૧૪૧ લોકોને ઈજા
• ધાબા પરથી ૬૧ લોકો પટકાયા
• દોરીથી ૮૬ લોકોના ગળા કપાયા
• ધાબા પરથી પડી જતાં ૪૮ લોકોને ઈજા
• દોરીથી ૮૬ લોકો ઘવાયા
• પતંગના મુદ્દે ઝઘડામાં બાવન વ્યક્તિ ઘાયલ
• ચાર શહેરોમાં ૭૬૫ લોકો ઘાયલ થયા
• સુરતમાં ઉત્તરાયણે દોરીથી ૧૫૦ લોકો જ્યારે વાસી ઉત્તરાયણે ૪૪ લોકો ઘાયલ
• રાજકોટમાં ઉત્તરાયણે ૧૦૬ અને વાસી ઉત્તરાયણે ૨૪ લોકો ઘાયલ
• વડોદરામાં ઉત્તરાયણે ૧૦૬ અને વાસી ઉત્તરાયણે ૫૦ લોકો ઘાયલ
• અમદાવાદમાં બે દિવસમાં પતંગના ઝઘડામાં મારામારીમાં બાવન લોકો ઘાયલ
• ધાબા પરથી પડી જતાં ૪૮, દોરીથી ગળું કપાતાં ૭૦, દોરીના લીધે વાહન અકસ્માતથી ૧૦૮ને ઈજા થઈ હતી.
• વાસી ઉત્તરાયણે પતંગના ઝઘડામાં ૭ લોકોને ઈજા
• વર્ષો પછી દોરીથી ઈજા-મોતની સંખ્યા વધી
• બાપુનગરમાં ત્રીજા માળથી પટકાતા ૧૦ વર્ષના નિર્દોષ બાળકનું મોત નીપજ્યું
• ઠક્કરબાપા નગરના ૨૪ વર્ષના યુવાનનું દોરી ઘસાવાથી નાક કપાયુ
• સરસપુરમાં રહેતી ૬ વર્ષની બાળકીની દોરીને લીધે આંગળી કપાઇ
• નિકોલમાં શુકન પાસે યુવકને ગળામાં દોરી વાગી
• આગના ૧૪ બનાવ: બે તુક્કલથી અને એક રોકેટથી આગનો બનાવ
• ક્રૃષ્ણનગરમાં પતંગ બાબતે મારા મારી
• ઠક્કરનગરમાં પતંગ ચગાવવા મુદ્દે બે ભાઇ પર હુમલો


