અમદાવાદઃ સરદારધામ દ્વારા ત્રિદિવસીય ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ'નું આયોજન ૫મીથી ૭મી જાન્યુઆરી સુધી ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરમાં કરવામાં આવ્યું છે. આ સમિટમાં ૩૨ દેશોમાંથી ૧૦,૦૦૦ જેટલા ઉદ્યોગપતિ-ડેલિગેટ્સ તેમજ આશરે ત્રણ લાખથી વધુ પાટીદારો ઉપસ્થિત રહેશે તેવું આયોજકોએ જણાવ્યું છે. આયોજકોએ એ પણ જણાવ્યું છે કે, ૫૦૦થી વધુ વેપારી એકમો દ્વારા મેગા એક્ઝિબિશનમાં ૫૦,૦૦૦થી વધુ પ્રોડક્ટસનું પ્રદર્શન કરાશે. સરદારધામ દ્વારા રૂ. ૧૦૦ કરોડના ખર્ચે આ સમિટનું આયોજન કરાયું છે. મિશન-૨૦૨૬ અંતર્ગત સરદારધામ માટે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ'નું આયોજન થઈ રહ્યું છે. તેવી સમિટ વર્ષ-૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૬માં પણ યોજાશે.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે સરદારધામ વિશ્વ પાટીદાર સમાજનાં પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા જણાવે છે કે, સમાજની સામૂહિક સુખાકારી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ‘સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણ'ના સૂત્ર સાથે સરદારસાહેબના સ્વપ્નને સાકાર કરવા ભારતમાં આ નવતર આર્થિક અભિયાનનું આયોજન છે.
તેમણે કહ્યું કે, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. જેમાં પહેલો સમાજના નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વક જોડાણને પ્રોત્સાહન આપવું. બીજો હેતુ સમાજમાં નવા ઉદ્યોગપતિઓ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું અને ત્રણ સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવી. આ સમિટ-એક્ઝિબિશનમાં કુલ ૫૦૦થી વધારે સ્ટોલ હશે. ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિ રહેશે. આર્થિક વિકાસના મુદ્દે ખ્યાતનામ વક્તાઓ દ્વારા વિશેષ સેમિનારનું પણ આયોજન છે.
તેમણે જણાવ્યું કે આ સમિટમાં કન્વેન્શન, એક્ઝિબિશન, બિઝનેસ સેમિનાર અને બીટુબી મિટિંગ્સ અને જોબ ફેર થશે.
આ સમિટનો હેતુ સૌને આધુનિક ટેકનોલોજી અને નવીન પ્રોડક્ટસ અંગે જાણકારી પ્રાપ્ત કરાવવાનો પણ છે. વ્યાપાર, ધંધા અંગે ચર્ચા કરવા માટેનું આ ઉત્તમ પ્લેટફોર્મ બની રહેશે.
ગગજીભાઈ સુતરીયાએ જણાવ્યું કે, અમદાવાદ આવ્યા બાદ એક તારણ મળ્યું કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોની જે સંખ્યા છે, તે પૂરતી નથી અને તેને માટે કાર્ય થવું જોઈએ. ત્યારબાદ એવો વિચાર આવ્યો કે આ ક્ષેત્રમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજની સંસ્થાઓ પોતાની રીતે શ્રેષ્ઠ કામ કરી રહી છે, પરંતુ જો આ સંસ્થાઓ એક થઈને કાર્ય કરે તો માત્ર શૈક્ષણિક જ નહીં, સામાજિક, રાજકીય, આર્થિક-વેપાર ક્ષેત્રે યુવાવર્ગનો સર્વાંગી વિકાસ થાય. આગામી સમયમાં રોટી-બેટીનો સંબંધ પણ વધે જેને કારણે સમૃદ્ધ, સ્વાવલંબી સમાજનું આયોજનપૂર્વક નિર્માણ કરી શકીએ. ત્યારબાદ આ વિચાર સાથે વર્ષ-૨૦૧૨માં સાત મિત્રો ગંગાજીના કિનારે ઋષિકેશ ગયા અને ત્યાં ચિંતન-મનન કર્યું. પછી એ સમયે મેં ગંગાજળ હાથમાં લઈને સૂર્યનારાયણની સાક્ષીએ વચન લીધું કે હવે હું મારું જીવન સમાજ માટે અર્પણ કરીશ. વર્ષ-૨૦૧૪માં અમે વૈષ્ણોદેવી સર્કલ પાસે એક જમીનનું સંપાદન કર્યું અને ત્યાં ‘સરદારધામ’ નામની સંસ્થાનું નિર્માણ કર્યું. પ્રથમ તબક્કામાં ૧૦૦૦ દીકરી અને ૧૦૦૦ દીકરીઓ રહી શકે એવું છાત્રાલય બનાવવાની નેમ લીધી. આ સાથે સમાજ સેતુ ભવનમાં સિવિલ સર્વિસ કેન્દ્ર, ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર, નિ:શુલ્ક કાનૂની માર્ગદર્શન કેન્દ્ર, નિ:શુલ્ક મહેસૂલ માર્ગદર્શન કેન્દ્ર એમ પંચામૃત કેન્દ્ર માટે યોજના બનાવી. ધરતીપુત્રો તેમનો મત માર્ગદર્શન આપે તે માટે તેમના સહકાર માટે હાકલ કરી છે.
સંસ્થા નહીં, પરંતુ એક વિચાર
આ સમિટના આયોજકોનું કહેવું છે કે આ સમિટ અંગે જાગૃતિ માટે દેશ-દુનિયામાં કુલ ૪૬ કાર્યક્રમો યોજાઈ ગયા છે. અત્યાર સુધી સામાજિક અને ધાર્મિક મેળાવડા તો ઘણાં થયા છે, પરંતુ વ્યક્તિને સદ્ધર કરવા માટે આ પ્રકારની સમિટ જરૂરી છે. આ એક નૂતન પ્રયોગ આદરવામાં આવ્યો છે. જેનો પ્રયોગ અન્ય સમાજ પણ કરી શકે છે. આ એક નમ્ર પ્રયાસ થયો છે, વતનનાં રતનનું જતન કરવા માટે પણ આ પ્રયોગ છે. સમાજને ઉપયોગી થવાનું કાર્ય છે. આપણી ‘યુવા પેઢી'ના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીની આ ૨૧મી સદીમાં અને અવિરતપણે ચાલતાં ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકરણના આ સમય પ્રવાહમાં આપણાં દીકરા-દીકરીઓ દેશ-દુનિયા સાથે તાલ મિલાવી શકે અને પોતાની તેજસ્વી આંખોના સપનાં પૂરાં કરી શકે, વિવિધ પ્રકારની ઉભરાતી તકોને ઝડપી શકે તે માટે પ્રયત્ન છે.
પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ
‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ'માં ‘પાટીદાર ઉદ્યોગ રત્ન' એવોર્ડ સમારંભનું પણ આયોજન કરાયું છે. જેમાં ‘પાટીદાર ઉદ્યોગ રત્નો'ના શીર્ષક હેઠળ એક કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરાશે. જ્યારે આ સમિટ અંતર્ગત એનાયત થનારા તમામ એવોર્ડ વિજેતાઓની માહિતીસભર પ્રોફાઈલ પણ તૈયાર થશે. જ્યારે આ સમિટમાં જ્યારે બીટુબી મિટિંગ્સનું પણ આયોજન કરવામાં આવશે. તેવું કહીને ગગજી સુતરીયાએ જણાવ્યું કે અરસપરસની સમયની અનુકૂળતા પ્રમાણે પ્રિ-રજિસ્ટર્ડ બીટુબી મિટિંગની સુવિધા ઉપલબ્ધ બની રહેશે. સાથે જ મેન્યુફેક્ટરર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, સર્વિસ પ્રોવાઈડર્સ તેમજ રો-મટિરિટલ સપ્લાયર્સ માટે નેટવર્કિંગનો અનોખા અવસરનું આયોજન છે.


