અમદાવાદ: ગુજરાતમાં જે પ્રકારે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તે ચિંતાનો વિષય છે કારણ કે, દૈનિક કેસની સરખામણીએ સાજા થતા દર્દીઓની સંખ્યા ઓછી નોંધાઈ રહી છે. દેશના કુલ ૬ રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કુલ કેસ પૈકી એક્ટિવ કેસની ટકાવારી ઉંચી છે. કુલ કેસ પૈકી સૌથી ઓછા એક્ટિવ કેસ ધરાવતાં રાજ્યમાં તામિલનાડુમાં માત્ર ૧.૬૨ ટકા છે. આ સિવાય કર્ણાટકમાં ૨.૮૫ ટકા, ઉત્તર પ્રદેશમાં ૪.૫૧ ટકા, મહારાષ્ટ્રમાં ૪.૬૩ ટકા, પશ્ચિમ બંગાળમાં ૫.૫૨ ટકા તેમજ મધ્ય પ્રદેશમાં ૬.૦૯ ટકા એક્ટિવ કેસ છે. જ્યારે ગુજરાતમાં એક્ટિવ કેસ ૬.૯૫ ટકા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટવા લાગી હતી. દિવાળીના તહેવારો પહેલા એક્ટિવ કેસની સંખ્યા ૧૭ હજારથી ઘટીને ૧૨ હજાર પર આવી ગઈ હતી. પરંતુ તહેવારોમાં લોકોએ સંયમ ન દાખવતા અને સંક્રમણ વધતા આ સંખ્યામાં સતત વધારો થવા લાગ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જારી કરતી વિગતો પ્રમાણે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના નોધાયેલા કુલ ૧,૯૮,૮૯૯ કેસમાંથી ૧૩,૮૩૬ એક્ટિવ કેસ છે જેની ટકાવારી ૬.૯૫ ટકા થાય છે. દેશના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યની વાત કરી તો તામિલનાડુમાં કુલ ૭,૬૯,૯૯૫ કેસ પૈકી એક્ટિવ કેસની સંખ્યા ૧૨,૫૪૨, કર્ણાટકમાં કુલ ૮,૭૩,૦૪૬ કેસમાંથી એક્ટિવ કેસની સંખ્યા ૨૪,૮૮૭, ઉત્તર પ્રદેશમાં કુલ ૫,૨૬,૭૮૦ કેસમાંથી એક્ટિવ કેસની સંખ્યા ૨૩,૮૦૬, મહારાષ્ટ્રમાં કુલ ૧૭,૮૦,૨૦૮ કેસમાંથી એક્ટિવ કેસ ૮૨,૫૨૧, કેરળમાં કુલ ૫,૬૨,૬૯૫ કેસમાંથી એક્ટિવ કેસની સંખ્યા ૬૫,૯૮૨ તેમજ દિલ્હીમાં કુલ ૫,૨૯,૮૬૩ કેસમાંથી એક્ટિવ કેસની સંખ્યા ૪૦,૨૧૨ છે.


