ગાંધીનગરઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ નજીક વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુર ગામની સરહદમાં ૪૦૦ વિઘા જમીન ઉપર આકાર લેનારા ભવ્ય ઉમિયા ધામ મંદિર સંકુલનું ચોથી માર્ચ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભૂમિપૂજનનું ભવ્ય આયોજન કરાયું છે.
ઉમિયાધામના ટ્રસ્ટી આર પી પટેલે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચોથીએ ઉમિયા ધામ મંદિરનું ભૂમિપૂજન થશે. મા ઉમિયાના ભવ્ય મંદિરના ભૂમિપૂજન માટે જોગાનુજોગ વડા પ્રધાને મહાશિવરાત્રિના જ પવિત્ર દિવસે અમદાવાદ આવવાની અનુમતિ આપી છે.
આર.પી. પટેલે કહ્યું કે, ૪૦૦ વિઘા જમીનના વિશાળ સંકુલમાં હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ, હોસ્ટેલ તેમજ એનઆરઆઇ ભવનનું રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે નિર્માણ કાર્ય થવાનું છે તેનું ભૂમિપૂજન પણ વડા પ્રધાન જ કરવાના છે. આ પ્રસંગે ફાઉન્ડેશનના તમામ દાતાઓ, ટ્રસ્ટીઓ સહિત ગુજરાતભરમાંથી અને દેશ-વિદેશમાંથી અંદાજે દસેક લાખ લોકો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વડા પ્રધાનના હસ્તે ભૂમિપૂજન સંપન્ન થાય એ પૂર્વે ૧૧,૦૦૦ પાટલા પૂજનની વિધિ હાથ ધરાશે. જેથી એક લાખથી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. આ પ્રસંગે એકલા પાટીદારો જ નહીં, પરંતુ તમામ સમાજના લોકો ઉપસ્થિત રહેશે.
આર પી પટેલે જણાવ્યું કે, એક માન્યતા પ્રમાાણે મહાશિવરાત્રિએ જ ભગવાન શિવના મા ઉમા એટલે કે માતા પાર્વતી સાથે લગ્ન થયાં હતાં. આ પવિત્ર દિવસે જ માતા ઉમિયાના ધામનું ભૂમિપૂજન સંપન્ન થશે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગ માટે જાસપુર નજીકની ૧૨૦૦ વિઘા જમીનને સમથળ કરી અંદાજે ૬૦૦ વિઘામાં વાહન પાર્કિંગ, ભોજન વગેરે માટેની વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ છે. સમગ્ર વ્યવસ્થા માટે દસ હજાર સ્વયંસેવકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

