મહિલા સામે અત્યાચારના કેસના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ રચોઃ ઉપરાષ્ટ્રપતિ

Wednesday 18th December 2019 05:43 EST
 
 

ગાંધીનગરઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રવિવારે ગાંધીનગરમાં કરાઈ ખાતે, વલ્લભ વિદ્યાનગર ખાતે અને ધોરડોમાં શરદોત્સવ એમ ત્રણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કરાઈ પોલીસ એકેડેમીમાં ગુજરાત પોલીસની શ્રેષ્ઠ કામગીરી બદલ એમણે પોલીસદળને રાષ્ટ્રપતિનું ‘ચિહ્ન’ અર્પણ કર્યું હતું. ૧૯૬૦થી માંડીને અત્યાર સુધી પોલીસની કામગીરીને વખાણતાં તેઓએ કહ્યું કે, ૧૯૬૦થી ગુજરાત પોલીસમાં સેવા આપનારા પૂર્વ-વર્તમાન પોલીસકર્મીઓ અભિનંદનના અધિકારી છે. અત્યાર સુધી પોલીસદળની શ્રેષ્ઠ કામગીરી માટે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ પછી હવે ૭માં રાજ્ય તરીકે ગુજરાતને ‘ચિહ્ન’ અપાયું છે. દેશમાં મહિલાઓ ઉપર વધતા અત્યાચારોના સંદર્ભે ઉપરાષ્ટ્રપતિએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં કહ્યું કે, પોલીસ સ્ટેશન વુમન ફ્રેન્ડલી હોવું જોઈએ, સ્ત્રીઓ પર અત્યાચારના કેસો ઝડપથી ઉકેલવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના જરૂરી છે. આ કોર્ટની રચનાથી જ સ્ત્રીઓ સામેના ગુના અટકશે અને દોષીને ઝડપી સજા મળશે. મુખ્ય પ્રધાને જણાવ્યું કે, ગુજરાત પોલીસના થયેલા સન્માનથી પોલીસદળનું મનોબળ મજબૂત થશે.
દેશનું સાતમું રાજય
ઉપપરાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું નિશાન એનાયત કરાયું છે. આ સાથે વિશેષ ડિઝાઇન કરાયેલો પોલીસ ધ્વજ પણ એનાયત કરાયો હતો. રાષ્ટ્રપતિ નિશાનથી સન્માનિત થતું ગુજરાત દેશનું સાતમું રાજય બન્યું છે. આ યાદીમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ સાથે ગુજરાત રાજયનો પણ સમાવેશ થયો છે. રાષ્ટ્રગીતની જેમ ગુજરાત પોલીસને એક એન્થમની મંજૂરી મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter