અમદાવાદઃ પાણીના પ્રશ્ને રજૂઆત કરનાર એનસીપીનાં મહિલા કાર્યકર નીતુ તેજવાણીને નરોડામાં પોતાની ઓફિસ બહાર લાતો અને લાફા મારનારા ભાજપી ધારાસભ્ય બલરામ થવાણીનો વીડિયો તાજેતરમાં દેશભરમાં વાયરલ થયો હતો. ચારેબાજુથી ધારાસભ્ય પર ફિટકાર વરસતો હતો ત્યાં બલરામ થવાણીએ રાખડી બંધાવી અને નીતુબહેને પણ બલરામ થવાણીને માફ કરીને રાખડી બાંધી હતી. સોમવારે બપોરે એનસીપીના નેતા નિકુલ તોમરના ઘરે પહોંચીને નીતુ તેજવાણીને શામ, દામ દંડ ભેદથી બહેન બનાવી ધારાસભ્યએ રાખડી બંધાવી અને મીઠાઈ ખાઈને સમાધાનનો શો કર્યો. જોકે પીડિતા પોલીસ ફરિયાદ નોંધાવે તો તેની પર હુમલાનો કેસ કરવા બલરામ થવાણી પણ તૈયાર હતા. ઘટના બાદ ભાજપે ધારાસભ્યને જોકે માત્ર શો-કોઝ નોટિસ પાઠવી હતી.
બીજી તરફ પ્રજામાં પ્રચંડ રોષ છે કે બલરામ થવાણીને સસ્પેન્ડ કરવામાં આવે. સામાન્યપણે આ પ્રકારની મારામારીની ઘટનામાં બંને પક્ષો સામે કેસ થતો હોય અને આરોપીનઓને સ્ટડીમાં લેવાય, પણ જાહેરમાં મહિલાને લાતો મારનારા થવાણી સામે હજુ સુધી કોઈ ફરિયાદ જ નથી થઈ.


