હિંમતનગર, મહેસાણા, આણંદઃ છેલ્લા થોડા દિવસથી રાજસ્થાનમાં પડી રહેલા સતત ભારે વરસાદના પગલે રવિવારે મધરાતથી ધરોઈ ડેમમાં અંદાજે ૧.૮૫ લાખ ક્યુસેક પાણીની આવક થતાં તંત્ર દ્વારા ડેમના ૧૦ દરવાજા ખોલી ૫૪ હજાર ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના કિનારે આવેલા સાબરકાંઠા અને મહેસાણા, અમદાવાદ, ખેડા જિલ્લાના ૫૦થી વધારે ગામોને હાઇએલર્ટ જાહેર કરાયા હતા.
સાબરકાંઠાના વડાલી, ઇડર તાલુકાના તથા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મળી ૨૩ ગામોને સોમવારે હાઇએલર્ટ પર મૂકી દેવામાં આવ્યા હતા અને ગ્રામજનોને નદી કિનારે ન જવા માટે કડક સૂચના અપાઈ હતી. ડેમના દરવાજા ખોલવાને કારણે ડેમની પાછળના ભાગે આવેલ વડાલી-ધરોઈનો માર્ગ ધોવાઈ જવા પામ્યો હતો. જેથી લોકો ડેમ સાઇટના રસ્તા પર થઈને અવરજવર કરી હતી. વડાલી તાલુકાના જૂની મહોર, સૂરજપુરા, ફુદેડા, રામપુર, ઇડર તાલુકાના ચાંડપ, મોતીપુરા, વાલાપુર, ગોલવાડા, લક્ષ્મીપુરા, સુરપુરા, ફલાસણ, પાતળીયા, સતલાસણા તાલુકાના ધરોઈ, ફતેપુરા, વાવડી, ખોડમલી, અડોલ, શેરપુરા, કેવડાસણ, ખેરાલુ તાલુકાના ડંડાસણ અને વડનગર તાલુકાના ગણેશપુર, ઉડડી અને વલાસણા ગામને હાઇએલર્ટ જાહેર કરાયા છે.
મહીનું રૌદ્ર સ્વરૂપઃ ગળતેશ્વર બ્રિજ પાણીમાં
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ૨૨મી ઓગસ્ટે કડાણા ડેમમાંથી પાંચ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતાં મહી નદીના જળસ્તરમાં ખૂબ ઝડપથી વધારો થયો હતો. ફાજલપુર પાસે મહી નદીનું જળસ્તર ૧૩ મીટરથી વહી રહ્યું હતું. બે કાંઠે વહેતી નદીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હતા. આ નદી પર ભયજનક સ્તર ૧૪ મીટર છે. જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાની શરૂઆત કરાઈ છે. જ્યારે ડેસર તાલુકામાં ખેડા જિલ્લાને જોડતા ગળતેશ્વર પાસેનો બ્રિજ પણ ડૂબી જતાં વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. વડોદરા જિલ્લામાં ડેસર, સાવલીના ૧૫, પાદરાના ૧૦ અને વડોદરા તાલુકાના સાત મળી મહી નદી કાંઠાના કુલ ૩૨ ગામોને સાવચેત રહેવાની સૂચના
અપાઈ હતી.
ખેડા જિલ્લાના પણ વણાકબોરી ડેમમાં સાડાપાંચ લાખ ક્યુસેક પાણી છોડતા જિલ્લાના પચાસથી વધુ કાંઠાગાળાના ગામોને એલર્ટ કરાયા છે. ૨૧મી અને ૨૨મીએ દિવસભર રિક્ષા ફેરવીને આવા ગામોના નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે જતા રહેવાની ચેતવણી પણ અપાઇ હતી. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ગળતેશ્વર મહાદેવ પાસેના વડોદરા શહેરને જોડતા બ્રિજ ઉપરથી પણ ચારથી પાંચ ફૂટ પાણી પસાર થઇ રહ્યું હતું. મધ્ય ગુજરાતમાંથી પસાર થતી મહી, સાબરમતી, વાત્રક અને શેઢી જેવી નદીઓ બે કાંઠે વહી રહી હતી. વણાકબોરી ડેમ વ્હાઇટ સિગ્નલે પહોંચી જતાં આજુબાજુના ગામોને એલર્ટ કરાયાં હતાં. ૨૨મીએ ડેમમાં માત્ર સાત સેમી પાણીની સપાટી વધે તો પાણી રેડ સિગ્નલને ઓળંગે
તેમ હતું.


