ટોરોન્ટોઃ અમેરિકા-કેનેડામાં ઉચ્ચ અભ્યાસાર્થે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે વીતેલું સપ્તાહ ખૂબ જ ગોઝારું પૂરવાર થયું હતું. ત્રણ જ દિવસમાં ત્રણ યુવકના અલગ અલગ અકુદરતી રીતે મોત થયા હોવાના અહેવાલો આવ્યા છે.
ગુજરાતમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ માસ્ટર ડિગ્રી ભણવા કેનેડા ગયેલા મૂળ મહેસાણાના અને અમદાવાદ ખાતે સ્થાયી થયેલા વેપારીના 26 વર્ષીય પુત્ર હર્ષ પટેલની ગુમ થયા બાદ લાશ મળી છે. મિત્રને ત્યાં એસાઈન્ટમેન્ટ લેવા જાઉં છું કહીને નીકળેલો હર્ષ 14 એપ્રિલે ગુમ થતાં તેના મિત્રોએ કેનેડામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મહેસાણાની પટેલ પાર્ક સોસાયટીમાં રહેતા અને સ્ટીલ પાઇપના વેપારી વિનશભાઈ પટેલ હાલ ધંધાર્થે અમદાવાદમાં રહે છે. તેમનો એકનો એક પુત્ર હર્ષ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા ઉપર એમબીએની માસ્ટર ડિગ્રી માટે દોઢ વર્ષ પૂર્વે સપ્ટેમ્બર 2021માં કેનેડાના ઓન્ટારિયો ગયો હતો. હોસ્ટેલમાં મિત્રો સાથે રહેતો હર્ષ ગત 14 એપ્રિલે તેના મિત્રોને એસાઇન્ટમેન્ટ લેવા જાઉં છું કહીને નીકળ્યો હતો. મોડી સાંજ સુધી પરત ન આવતાં મિત્રોએ પોલીસમાં ફરિયાદ આપી હતી. કેનેડિયન પોલીસે તપાસ કરતા ટોરોન્ટોના ડાઉન ટાઉનના સરોવર નજીકથી હર્ષ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો.
હર્ષના અંતિમ સંસ્કાર ગુજરાતમાં થાય તે માટે તેનો મૃતદેહ લેવા પરિવાના સભ્યો કેનેડા પહોંચ્યા છે. હર્ષ પટેલનું ડૂબી જવાથી મોત થયું કે અન્ય કોઈ કારણોસર તે તપાસ બાદ જ ખબર પડશે. તેનું પાકીટ, પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ ગૂમ થયેલા હતા. ટોરોન્ટો પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
લેક મોનરોમાં ડૂબેલા વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા
અન્ય એક દુઃખદ ઘટનામાં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલો 19 વર્ષનો ગુજરાતી વિદ્યાર્થી સિદ્ધાંત શાહ તેમજ તેનો ભારતવંશી અમેરિકન મિત્ર આર્યન વૈદ્ય ઇંડિયાના સ્ટેટના લેક મોનરોમાં ડૂબી ગયા બાદ લાપતા હતા. આ બન્નેના મૃતદેહ સર્ચ ઓપરેશન દરમિયાન મળ્યા છે. બન્ને ઇન્ડિયાનાની કેલી સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતા હતા. સિદ્ધાંત શાહ અમદાવાદના એક નામાંકિત બિલ્ડરનો પુત્ર છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આવી વિગતો બહાર આવી હતી કે, આ બંને મિત્રો લેક મોનરોમાં નહાવા માટે પડ્યા હતા. જોકે પોલીસ આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.