અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યોત્સવ પ્રસંગે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી શકિતપીઠ ગબ્બર ઉપરથી માતાજીની અખંડ જ્યોત નિજ મંદિરે લવાઇ હતી. જ્યાં માતાજીની મહાઆરતી બાદ ૧૧.૪૦ કલાકે આદ્યશકિતની શાહી વિરાટ શોભાયાત્રા નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કર્યું હતું. શોભાયાત્રામાં અંબાજી સહિત દેશ અને વિદેશમાંથી મા અંબાના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
- ઉર્જિત પટેલને સરકારે મીડિયાથી દૂર રાખ્યાઃ RBIના ગવર્નર ઉર્જિત પટેલ ૧૧મીએ ગિફ્ટ સિટી પર વક્તવ્ય માટે આવ્યા હતા, પણ RBIની કમિટી તરફથી ઉર્જિતને નોટબંધીના મામલે જે સવાલો પુછાયા છે તે જોતાં ઉર્જિતને સરકારે મીડિયાથી દૂર રાખ્યા હતા. તેઓ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે મીડિયા મેઇન ગેટ પર તેમની રાહ જોતું હતું પરંતુ તેમને અન્ય રસ્તેથી બહાર કાઢીને મહાત્મા મંદિર લઈ જવાયા. તેમનો પીછો કરતું મીડિયા ગિફ્ટ સિટી પહોંચ્યું, પરંતુ મીડિયાની આશા અહીં પણ ઠગારી નીવડી હતી. સરકારી તંત્રે ઉર્જિત પટેલને હોલના પાછળના રસ્તેથી સીધા કારમાં બેસાડી દીધા હતા.
- ગઢડા (સ્વામીના)માં ગ્રંથયાત્રા અને વિમોચન સમારોહઃ ગઢડા (સ્વામીના) મુકામે શહેરના સ્થાપના કાળથી વર્ષ ૧૯૭૦ સુધીના ઈતિહાસ પર સંશોધન કરીને ગ્રંથનું સ્વરૂપ આપવાનું ભગીરથ કાર્ય ઈતિહાસવિદ્દ પ્રા. ડો. આર. જી. પંડ્યાએ પૂર્ણ કર્યું હતું. સામાજિક સંસ્થા લોક વિચારમંચ દ્વારા ૧૦મીએ નૂતન કન્યા વિદ્યાલયમાં વિમોચન સમારોહ તેમજ ગ્રંથયાત્રાનું આયોજન કરાયું હતું. સમાજના પ્રતિનિધિઓ અને નગરજનોની વિશાળ ઉપસ્થિતિમાં ગ્રંથયાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ નૂતન કન્યા વિદ્યાલય ખાતે આત્માન દસરસ્વતીજી (હડદડ)ના અધ્યક્ષસ્થાને એસ.પી. સ્વામી, અધ્યાત્મસ્વરૂપ સ્વામી, રાવત ભગત તથા ઈતિહાસવિદ્દ પ્રદ્યુમ્નભાઈ ખાચર, નગરશેઠ અને રાજરત્ન મોહનલાલ મોતીચંદ શેઠના પુત્ર મહેન્દ્રભાઈ અજમેરા (મુંબઈ)ની ઉપસ્થિતિમાં ગઢપુરનો ઈતિહાસ ગ્રંથનો વિમોચન સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્રણ વર્ષની અથાક મહેનતના અંતે સમગ્ર સમાજ પ્રેરણા મેળવી શકે તેવી અનેક ઈતિહાસની તવારીખો સાથે આશરે ૬૨૦ કરતાં વધારે પાનાંઓ ધરાવતા આ ગ્રંથ વિમોચનની વેળા ગઢડાના ઇતિહાસમાં યાદગાર બની રહી હતી.

