સુરતઃ પાટીદાર એકતા, બેટી બચાવો અને વ્યસનમુક્તિના સંદેશા સાથે ૨૮ માર્ચના રોજથી સુરત શહેર તથા આજુબાજુના ગામડાઓમાં શરૂ થયેલી પાટીદારની મા ઉમા ખોડલ રથયાત્રાનું બીજી એપ્રિલે શાંતિપૂર્ણ રીતે સમાપન થયું હતું. પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં યાત્રા ફરી હતી યાત્રાનો લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. સુરત શહેરના મોટા વરાછા અબ્રામા ખાતે બોપોરે ત્રણ કલાકે મહાલાપસી મહોત્સવમાં એક લાખ લોકો મહાલાપસી મહોત્સવમાં ભેગા થયા હતા એવું પાસના સહકન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે મા ઉમા ખોડલની રથયાત્રાને સુરતમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે.
લાપસી કાર્યક્રમ
પાસ આયોજિત ભક્તિ દ્વારા પાટીદાર એકતાની શક્તિ રૂપે લાપસી મહોત્સવ કાર્યક્રમ અબ્રામા ગામમાં પી. પી. સવાણી સ્કૂલ પાસેના મેદાનમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો આવ્યા હતા અને ‘જય જય સરદાર જય જય પાટીદાર’ના નારાથી મેદાન ગૂંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે પાટીદાર આગેવાન કાનજી ભાલાએ જણાવ્યું હતું કે, આંદોલને પાટીદાર સમાજને એક ૨૨ વર્ષનો યુવા નેતા આપ્યો છે. આજનો કાર્યક્રમ પાટીદાર એકતાનું પ્રતીક બની રહેશે. સૌરાષ્ટ્રના સહ કન્વીનર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, આ એવો પ્રસંગ છે કે જ્યાં કડવા, લેઉવા, કાળાચાડુ, લાલચુડા, હાલારી એવા પટેલ નહીં, પરંતુ પાટીદારો ભેગા થયા છે. હવે કોઈના પણ ઘરે બાળક જન્મે તો એ માત્ર પાટીદાર હશે. આ પ્રસંગે પાસના કન્વીનર હાર્દિક પટેલનાં માતા-પિતાને સ્ટેજ પર બોલાવીને તેમનું સન્માન થયું હતું.
હાર્દિકને લાપસી મોકલાઈ
ત્રીજી એપ્રિલે હાર્દિકને લાજપોર જેલમાં મળવા ગયેલા તેના પિતરાઈ રવિ પટેેલે મહાલાપસીનો મહાપ્રસાદ ટિફિનમાં હાર્દિકને પહોંચાડ્યો હતો.
દાનનો વરસાદ વરસ્યો
મહાલાપસી કાર્યક્રમના સ્થળ પર દાનનો વરસાદ વરસ્યો હતો. માત્ર ત્રણ કલાકમાં રૂ. ૧.૨૫ કરોડથી વધુનું દાન એકત્ર કરાયું હતું. તો પાસ દ્વારા પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા બહુચરાજી પાટીદાર પ્રગતિ યુવક મંડળ દ્વારા પહેલી એપ્રિલે રાત્રે ઉમિયાવાડીમાં બેઠક મળી હતી. જેમાં અનામત માટે ઉત્તર ગુજરાતના ૧૦૧ પાટીદારો માથે મુંડન કરાવશે એ મુદ્દે ચર્ચા થતાં ૧૫ સ્થાનિક યુવાનોએ મુંડન માટે પોતાના નામની નોંધણી કરાવી હતી.
૧૫૪ યુગલનું સન્માન
એક તરફ પાસ દ્વારા મહાલાપસી કાર્યક્રમ યોજાયો હતો ત્યારે જ છ વર્ષથી એપ્રિલ મહિનાના પહેલા રવિવારે ટ્રાફિકની સમસ્યામાં અડચણરૂપ ન બનતાં યુગલોના સન્માનનો કાર્યક્રમ ત્રીજી એપ્રિલે સુરતમાં પાટીદાર સમાજની વાડી, આંબાતલાવડીમાં યોજાયો હતો. સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં લગ્નસરા દરમિયાન વરઘોડો કાઢ્યો ન હોય અને સુરતમાં ટ્રાફિકને અડચણરૂપ ન બન્યા હોય તેવા ૧૫૪ યુગલોને સન્માનિત કરાયા હતા.


