માઈક્રોઈકોનોમી ફંડા મજબૂતઃ અમિત શાહ

Wednesday 04th September 2019 06:15 EDT
 
 

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૨૯મી ઓગસ્ટે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિ.ના ૭મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કર્યા પછી જણાવ્યું કે, ૨૦૧૪ સુધી દેશને સુધારવાની કોઈ કોશિશ થઈ નહીં, પણ ૨૦૧૯માં માઈક્રોઈકોનોમિક ફંડામેન્ટલ્સ મજબૂત છે અને ભારત ઝડપી વિકાસ કરતું અર્થતંત્ર છે. દેશનો જીડીપી સાત ટકાથી ઉપર છે. મોંઘવારી દર ત્રણ ટકા જેટલો નીચે છે અને નાણાકીય ખાધ પાંચ ટકા હોવી જોઈએ તે અત્યારે ૩.૩ ટકા છે. ૨૦૨૨માં વિશ્વમાં ટોચના ત્રીજા નંબરની ઈકોનોમી બનવાનું લક્ષ્ય છે તેથી માઈક્રોપ્લાનિંગથી પાંચ ટ્રિલિયનના અર્થતંત્ર બનાવવા તરફ ભારત આગળ વધે છે.
મુકેશભાઈ અંબાણીએ ભૂતકાળમાં અમને કહેલું કે જીએસટીમાં અમારા જેવા મોટા ઉદ્યોગોને તો વાંધો ન આવે પણ નાના વેપારીઓને કારણે રાજકીય નુકસાન ન થાય તે જોજો. મુકેશભાઈને કહેવું છે કે, નરેન્દ્રભાઈ મોદી લોકોને સારું લગાડવા નહીં પણ લોકો માટે શું સારું છે તેવો નિર્ણય લે છે. કાશ્મીરમાં એક ઝાટકે ૩૭૦ કલમ પર પૂર્ણવિરામ મૂક્યું અને કાશ્મીરને ભારતમાતાનું અંગ બનાવાયું તેનો પણ અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો. પીડીપીયુના વિવિધ અભ્યાસક્રમોના ૧,૦૪૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.
‘અમિત શાહ સાચા કર્મયોગી’
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન તથા પીડીપીયુના સ્થાપક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આ સમારોહમાં અમિત શાહ અંગે કહ્યું કે, અમિતભાઈની ઉપસ્થિતિ આપણા માટે ગર્વની વાત છે. અમિતભાઈ, તમે સાચા કર્મયોગી છો. તમે લોહપુરુષ છો. તમારી ઉર્જા અને ફોકસ હંમેશા મને નવાઈ પમાડનારી છે.
આપણા વડા પ્રધાને ભારતને ૨૦૨૪ સુધીમાં પ ટ્રિલિયન યુએસ ડોલરનું અર્થતંત્ર બનાવવાનું બીડું ઝડપ્યું છે. વડા પ્રધાને આઝાદીદિને જણાવ્યું કે, ૭૦ વર્ષમાં ભારત બે ટ્રિલિયનનું અર્થતંત્ર બન્યું, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં એક ટ્રિલિયનનો ઉમેરો થઈ દેશનું અર્થતંત્ર ત્રણ ટ્રિલિયન ડોલરનું બન્યું છે. જો પાંચ વર્ષમાં એક ટ્રિલિયન વધતા હોય તો આવતા પાંચ વર્ષમાં બે ટ્રિલિયન ડોલર કેમ વધારી ન શકીએ? આપણે કરી શકીશું. આ સંદર્ભેમાં હું કહીશ કે ભારત આ કરી શકે છે જ. આપણે દેશમાં ખોરાક, શિક્ષણ, હેલ્થકેર, લાઈવલીહૂડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઉત્તમ ફેરફાર
કર્યાં છે. આ જ નવું ભારત છે.
૫૦૦ ઈલેક્ટ્રિક બસો
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૨૯મીએ અમદાવાદ મહાનગરમાં ૧૦ લાખ વૃક્ષો વાવવાના અભિયાનના સમાપન સાથે આઠ નવી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે પર્યાવરણ સાચવવું જરૂરી હોવાથી આવતાં દિવસોમાં અમદાવાદમાં ૫૦૦ ઇલેક્ટ્રિક બસો દોડશે. આ જ દિવસે સાંજે પીડીપીયુના પદવીદાનમાં સમારોહમાં તેમણે અમિત શાહની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, નાની ઉંમરમાં તેમણે બહુ મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યાં છે. મનમાં ઈચ્છા હોય, ઈરાદા પક્કા હોય તો કંઈ પણ અશક્ય નથી. અશક્યને હાલમાં જ તેમણે શક્ય બનાવ્યું છે. કાશ્મીરમાં ૩૭૦ સમાપ્ત કર દીધી છે અને હવે કાશ્મીર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter