માણસા: ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં માણસા તાલુકા પંચાયત પાટીદાર આંદોલનનાં કારણે કોંગ્રેસનાં હાથમાં આવી ગઈ હતી. પંચાયતની ૨૪ બેઠકોમાંથી માત્ર ૬ બેઠક જ ભાજપ પાસે આવી હતી અને ૧૮ બેઠકો પર કોંગ્રેસ વિજેતા બની હતી. પરંતુ રવિવારે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ, દંડક, સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન સહિત ૧૦ સદસ્યો ઠાસરામાં ભાજપના કાર્યક્રમમાં હાજર થઈને મુખ્ય પ્રધાનની હાજરીમાં ભાજપમાં જોડાઈ જતાં સદસ્યો અને તાલુકા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી સરી ગઈ છે. ૬ બેઠકોનું સંખ્યાબળ ધરાવતી પંચાયતમાં હવે ભાજપનું સંખ્યાબળ ૧૬ થઈ ગયું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર પ્રમુખ અને સદસ્યોમાં જગતસિંહ બિહોલા, વિપુલ પટેલ, ઉષાબહેન ચૌધરી, વિનુભા દેવડા, સંગીતાબહેન પી. ઠાકોર, જીલાબહેન રાઠોડ, જયંતી પટેલ, વિષ્ણુ ચૌધરીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે રામસિંહ પરમાર, માનસિંહ ચૌહાણ અને લાલજી રબારી સિવાય એપીએમસી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, પાલિકાના મોટાપાયે કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. આશરે ૨૦ હજારથી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસના ખસતી ઘર નેતાઓ ભાજપમાં જોડાતાં ખેડા તેમજ મહીસાગર જિલ્લામાં કોંગ્રેસની કમર તૂટી હોય તેવું લાગે છે.

