‘રામ રાખે તેને કોણ ચાખે’ જેવી કહેવત કે પછી ‘જિસકા કોઇ નહીં ઉસકા તો ખુદા હે યારો...’ જેવા ગીતના શબ્દો યથાર્થ ઠરી રહ્યા હોય તેવો એક કિસ્સો કચ્છમાં નોંધાયો છે. ચાર વર્ષ અગાઉ અંજારમાં સ્મશાન પાસે એક દિવસની બાળકીને અવાવરું જગ્યાએ તેની કઠણ કાળજાની માતાએ ત્યજી દીધી હતી. બાદમાં જીવજંતુઓએ નાક કોતરેલી હાલતમાં આ બાળકી મળી આવી હતી. અંતે કોઇ માયાળુએ આ બાળકીને ભૂજના શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલી આપતાં ત્યાં તેનો સારી રીતે ઉછરે થયો હતો.
કેન્દ્ર દ્વારા આ બાળકીને ‘દુર્ગા’ નામ આપવામાં આવ્યું અને તેને દત્તક આપવા પ્રયાસ શરૂ થયા હતા. દુર્ગાને દત્તક લેવા ત્રણ ગુજરાતી દંપતી આગળ આવ્યા હતા પરંતુ કોઇ કારણોસર (કદાચ તેનું કોતરાયેલું નાક) તેમણે પોતાનો નિર્ણય બદલ્યો હતો. દુર્ગાને દત્તક આપવા આ કેન્દ્ર દ્વારા રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ફરીથી દુર્ગાને નવજીવન મળે તેવા પ્રયાસ શરૂ થયા.
દુર્ગા માટે ઓનલાઇન કેમ્પેન પણ કરવામાં આવ્યું હતું. અંતે અમેરિકામાં ઓહાયોવાસી એક સંગીત શિક્ષિકા ક્રિસ્ટિના ગ્રે વિલિયમે દુર્ગાને દત્તક લેવાની તૈયાર દર્શાવી. તેણે દત્તક લીધા પહેલા અમેરિકામાં દુર્ગાના ખવાયેલા નાકની પ્લાસ્ટિક સર્જરી થઇ શકે કેમ તે અંગે ઉંડી તપાસ કરી. અંતે સર્જરી અંગે સકારાત્મક પ્રતિસાદ મળતા તેણે ભારત આવવાનું નક્કી કર્યું. દુર્ગા સાત વર્ષની થાય એ પછી તેના નાકની ત્યાં સર્જરી થશે. ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટિના સિંગલ મધર પણ છે, તેણે અગાઉ હૈદરાબાદમાંથી એક બાળકી (મુન્ની)ને દત્તક લીધી છે. અંતે કાઠિયાવાડ બાલાશ્રમ દ્વારા દુર્ગાને દત્તક આપવાની કાનૂની પ્રક્રિયા પાર પાડવામાં આવી અને ૩૧ જાન્યુઆરીએ ભૂજમાં દર્ગાને ક્રિસ્ટીનાના હાથમાં સોંપાઇ ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા.
આ અંગે કેન્દ્રનાં અધિક્ષક ઇલાબહેન અંજારિયાએ ‘ગુજરાત સમાચાર’ને જણાવ્યું હતું કે, તેમના કેન્દ્રના કર્મચારીઓની લાગણી પણ દુર્ગા સાથે જોડાયેલી હોવાથી તેઓ ઇમેઇલ અને સોશ્યલ મીડિયા દ્વારા ક્રિસ્ટીના સાથે સતત સંપર્કમાં રહીને દુર્ગાનાં ખબર પૂછતાં રહેશે. શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની સ્થાપના વર્ષ ૧૯૫૪માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર બદ્રીનાથ શુક્લ દ્વારા થઇ હતી. અગાઉ યુકેવાસી એક કચ્છીએ પણ અહીંથી એક બાળકીને દત્તક લીધી છે. રાજકોટના બાલાશ્રમ દ્વારા પણ અગાઉ ઘણા વિદેશી દંપતીઓને અનેક બાળકો દત્તક આપવામાં આવ્યા છે.
ક્રિસ્ટિનાએ ભૂજના કેન્દ્રમાં જણાવ્યું હતું કે, ‘મારી પ્રથમ દીકરી મુન્ની તામિલ હોવાથી તથા તે સાત વર્ષ સુધી ભારતમાં ઉછરી હોવાથી મને ભારતીય સંસ્કૃતિ સાથે લગાવ છે. હું પણ ઇચ્છું છું કે આ બંને ભારત સાથે જોડાયેલી રહે. ભારતના દરેક તહેવારો હું ઘરે ઉજવું છું. અમેરીકામાં પણ ભારતીયો જે કાર્યક્રમો યોજે છે તેમાં મુન્નીને લઇ જવું છું. હવે દુર્ગાને પણ તેમાં સામેલ કરીશ. હું હિન્દી શીખવાનો પણ પ્રયત્ન કરૂ છું. જો કે, મારી માતૃભાષા સ્પેનિશ છે તે સાથે અંગ્રેજી પણ બોલું છું. પણ મારી દીકરીઓ માટે ભારતીય સંસ્કૃતિ જાણવા પ્રયાસ કરુ છું. જેમ કે, ભારતીય વાનગીઓ ઘરે બનાવું છું, ભારતીય હોટલમાં મુન્નીને લઇ જાવ છું.’ આમ ‘ધૂલ કા ફૂલ’ને દત્તક આપનાર સંસ્થાઓનાં સંચાલકોને પણ દુર્ગાને એક અનોખી માતાને સોંપવાનો અહેસાસ થયો.