ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારમાં આત્મારામ પરમાર સામાજિક ન્યાય અને અધિકારીતા (અનુસૂચિત જાતિઓનું કલ્યાણ, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત) તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ પ્રધાનનો કાર્યભાર સંભાળે છે. તે અગાઉ તેઓ ૨૦૧૪થી ૨૦૧૫ સુધી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ૨૦૧૫થી ઓગસ્ટ, ૨૦૧૬ સુધી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત હતા.
આત્મારામભાઈ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગઢડા બેઠક પર ચૂંટાયા છે. તેઓ આઠમી વિધાનસભામાં ૧૯૯૩ની પેટાચૂંટણીમાં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ૧૯૯૫-૯૬ અને ૨૦૧૩-૧૪માં ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જાતિના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ તથા ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તથા ખાતરી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.
રાજકીય-સામાજિક રીતે સુરત તેમની કર્મભૂમિ છે. તેમણે સુરત શહેર ભાજપની કારોબારી સમિતિના સભ્ય તરીકે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૯૨માં તેઓ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા હતા. આ ઉપરાંત, પરમારે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનું મહામંત્રીપદ તેમજ સુરત જિલ્લા યુવા પાંખ જનસંઘનું પ્રમુખપદ પણ સંભાળ્યુ છે. તેમણે ૧૯૭૪ના નવનિર્માણ આંદોલન દરમ્યાન દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થી અગ્રણી તરીકે નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
ખેડૂતો, દિવ્યાંગો, વિધવા અને ત્યક્તા મહિલાઓ તેમજ શ્રમિકોના કલ્યાણ માટે આત્મારામભાઈ સતત કાર્યરત રહ્યા છે. તેઓ અનેક સેવાભાવી સામાજિક સંસ્થાઓના સ્થાપક અને માર્ગદર્શક રહેવા ઉપરાંત, ઘણા સંગઠનોને સલાહકાર તરીકે માનદ સેવા પણ આપી રહ્યા છે. સુરતની ઘણી શૈક્ષણિક સંસ્થાઓના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી છે.
શ્રી પરમારનો જન્મ તા. ૨૮-૧૧-૧૯૫૨ના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે થયો હતો. તેઓ ખેતી અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પરિવારમાં પત્ની મધુબહેન અને બે પુત્રો છે.
શ્રી પરમારે એમ.એ.,એલ. એલ.બી. સુધીનું શિક્ષણ મેળવેલું છે. વાંચન, લેખન અને સંગીત તેમના શોખના વિષય છે. તેમને ચેસ અને ગોલ્ફની રમત ખૂબ ગમે છે. તેમણે નેપાળ, યુકે, ઈન્ડોનેશિયા અને મલેશિયાનો વિદેશ પ્રવાસ ખેડેલો છે. ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં શ્રી પરમારે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૭૧-૭૨થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મારફતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયા બાદ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી.
શ્રી પરમારે તેમને સોંપાયેલા વિભાગોની કામગીરી વિશે જણાવ્યું હતું કે તેઓ હંમેશા પારદર્શક રીતે અને પ્રજાના હિતને પ્રાધાન્ય આપીને જ સંબંધિત વિભાગોની કામગીરી સંભાળી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.
યુકે પ્રવાસ વિશે શ્રી પરમારે જણાવ્યું હતું કે તેમણે પરિવાર સાથે લંડન સહિત યુકેના ઘણાં શહેરોનો પ્રવાસ કર્યો હતો અને આ શહેરોના લોકોની જીવનશૈલી, ત્યાંની અદ્યતન સુવિધાઓથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.


