વ્યક્તિ વિશેષઃ રોહિતભાઈ પટેલ

(માનનીય રાજ્ય પ્રધાનઃ ઉદ્યોગ, ખાણ-ખનીજ અને નાણા વિભાગ, ગુજરાત સરકાર)

- જીતેન્દ્ર ઉમતિયા Wednesday 14th December 2016 06:33 EST
 
 

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારમાં રોહિતભાઇ પટેલ ઉદ્યોગ, ખાણ-ખનીજ અને નાણાં વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળે છે. તેઓ ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં આણંદની બેઠક પર ચૂંટાયા છે તેમની રાજકીય કારકિર્દી ૧૯૯૯થી શરૂ થઈ. વર્ષ ૧૯૯૯થી ૨૦૦૪ અને ૨૦૦૭થી ૨૦૦૯માં આણંદ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ તરીકે તેઓ હતા. હાલમાં પણ તેઓ આણંદ જિલ્લા ભાજપના તમામ સેલમાં કોઓર્ડિનેટર છે.
સમાજસેવાના ક્ષેત્રે પણ રોહિતભાઈ સક્રિય છે. ચારુસેટ યુનિ.માં તેઓ કારોબારી સભ્ય અને સલાહકાર છે. આ ઉપરાંત આણંદની મેનેજમેન્ટ ઇન્સ્ટિ. જેએમટીસીના તેજસ્વી વિદ્યાર્થીઓને તેઓ અભ્યાસ માટે સ્કોલરશિપ પણ આપે છે. ચાંગાની ચારુસેટ હોસ્પિટલને પણ તેમણે નોંધપાત્ર આર્થિક સહયોગ આપ્યો છે. આ ઉપરાંત તેમણે વિવિધ સંસ્થાઓને - મંડળોને માર્ગદર્શન અને આર્થિક સાથ આપ્યો છે.
રોહિતભાઈનો જન્મ ૨૨મી સપ્ટેમ્બર, ૧૯૪૬ના રોજ આણંદમાં થયો હતો. તેમનું મૂળ વતન બાકરોલ છે, પણ તેમની કર્મભૂમિ આણંદ રહી. તેઓ બી.ઇ. મીકેનિકલ એન્જિનિયરિંગ તથા એલ.એલ.બીની ડિગ્રી ધરાવે છે. શ્રી પટેલ વ્યવસાયે ઉદ્યોગપતિ છે અને તેમણે આણંદમાં વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ સુધી કામકાજ સંભાળ્યુ હતું. શ્રી પટેલ મીલસેન્ટ બ્રાન્ડ ઘરઘંટી તેમજ હોમ અપ્લાયન્સીસ કંપનીના માલિક છે. તેમને રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ એમએસએમઇ એવોર્ડ પણ એનાયત કરાયો છે.
તેઓ ફાર્માસ્યુટીકલ્સ બનાવતી અમન્તા ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન પણ છે.
તેમના પરિવારમાં પત્ની તથા એક પુત્રીનો સમાવેશ થાય છે. તેમને રાજકારણ તેમજ સંગઠન પ્રવૃત્તિઓ, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના વિકાસમાં ખૂબ રસ છે. તેઓ વાંચન-લેખનનો પણ શોખ ધરાવે છે. શ્રી પટેલે રાજકારણ અને હાલના બંધારણ વિશે તેમજ હાલ ચાલતા અનામતના પ્રશ્ર પર પણ પુસ્તકો લખ્યા છે. તેમણે કેન્યા, યુ.કે., યુ.એસ.એ. અને ચીન સહિત અનેક દેશોનો પ્રવાસ ખેડેલો છે.
‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં રોહિતભાઈએ જણાવ્યું હતું કે તેઓ સમાજસેવા કરવાના મુખ્ય હેતુથી રાજકારણમાં આવ્યા છે. વધુમાં, રાજકારણ દ્વારા તેઓ સ્વચ્છ અને વિકાસશીલ પ્રગતિ તરફ દેશની આગેકૂચના સ્વપ્નને સાકાર કરવા માગે છે.
તેમણે ઉમેર્યું હતું કે અભ્યાસુ અને ઈમાનદાર લોકો રાજકારણમાં જોડાતા નથી તેવા તર્કને પોતે તોડવા માગતા હતા તેથી રાજકારણમાં પ્રવેશ્યા છે.
તેમના વિભાગોની ભાવિ કામગીરી વિશે શ્રી પટેલે જણાવ્યું હતું કે તેઓ રાજ્યમાં બિનઅધિકૃત ખનનની કામગીરી અટકાવીને રોયલ્ટીની આવક બમણી કરવા પ્રયત્નશીલ છે.
આ ઉપરાંત, તેઓ રાજ્યનું સુગ્રથિત નાણાંકીય વ્યવસ્થાપન કરવા માગે છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યનો સર્વગ્રાહી અને સર્વોત્તમ ઔદ્યોગિક વિકાસ થાય તે દિશામાં પોતે જહેમતપૂર્વક કામગીરી કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter