વ્યક્તિ વિશેષઃ શબ્દશરણ તડવી

- જીતેન્દ્ર ઉમતિયા Wednesday 19th October 2016 07:26 EDT
 
 

ગુજરાત સરકારમાં શબ્દશરણ તડવી વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન છે. તેઓ નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર ૨૦૧૨થી ૨૦૧૭ની ૧૩મી વિધાનસભામાં ચૂંટાયા છે. ૨૦૦૦થી ૨૦૦૩ સુધી તેમણે ભાજપના નાંદોદ તાલુકા યુવા મોરચાના કારોબારી સભ્ય અને ૨૦૦૩થી ૨૦૦૭ નાંદોદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે તરીકે સેવા આપી છે. તેઓ ગુજરાત ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય પણ છે. ૨૦૧૨માં તેઓ પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
તડવીના પિતા ભાઈલાલભાઈ આજીવન સર્વોદય કાર્યકર રહ્યા હતા. તેમના પગલે ચાલતા સર્વોદય કાર્યકર એવા શબ્દશરણ તડવી વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે. તેઓ ૧૯૯૫થી વડોદરા ગ્રામવિકાસ સંઘ(ખાદી પ્રવૃત્તિ)ના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થામાં જ તેઓ ટ્રસ્ટી અને ઉપપ્રમુખપદે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે ૧૯૮૬થી ૨૦૦૮ સુધી ગરૂડેશ્વર વિસ્તારની લેમ્પસ સેવા સહકારી મંડળીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી છે.
શ્રી તડવીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬પના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ડેકઇ ગામે થયો હતો. તેમનો મુખ્ય વ્યવસાય ખાદી બનાવટનો અને ખેતી છે. તેમણે સહકારી ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમને ખાદી પ્રવૃત્તિ અને ધાર્મિક સાહિત્ય વાંચનનો ખૂબ શોખ છે.
‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં શ્રી તડવીએ જણાવ્યું હતું કે દેશસેવા અને સમાજસેવાની પ્રવૃત્તિ તેમને વારસામાં જ મળી હતી. તેમના પિતા સમાજમાં ‘ભગત’ના નામે જાણીતા હતા. તેમણે ૧૯૪૨ની ‘ભારત છોડો ચળવળ’માં ભાગ લીધો હતો અને આજીવન ખાદી પહેરવાનો સંકલ્પ કર્યો હતો અને પાળ્યો પણ હતો.
મંત્રાલયની કામગીરી વિશે તેઓ કહે છે કે રાજ્યમાં વસતા બાવન લાખ આદિવાસી ભાઈ-બહેનોનો વિકાસ થાય અને અન્ય સમાજની સાથે કદમ મિલાવીને ચાલે તે ખૂબ મહત્ત્વનું છે, કારણ કે તેમનો વિકાસ થશે ત્યારે જ સમગ્ર રાજ્યનો વિકાસ થયો ગણાશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વિકાસના પરિણામો દેખાઈ રહ્યા છે. આદિવાસી સમાજ પણ વનબંધુ કલ્યાણ યોજનાના અમલીકરણથી વિકાસની ચરમસીમાએ છે. આજે રાજ્યમાં IAS-IPS અને ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી થકી હરણફાળ સફળતા હાંસલ કરીને સમાજ એક તબક્કે ખૂબ જ પરિપક્વ અને નીડર બન્યો છે, વિવિધ યોજનાઓ અમલી બનાવીને તેમના વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી થઈ રહી છે.
તેમણે ઉમેર્યું કે આદિવાસી વિસ્તારમાં સીકલસેલ એનિમિયા નામની બીમારી વધુ જોવા મળે છે. તેના દર્દીઓને પૂરતી સારવાર મળે અને તેમને કોઈ તકલીફ ન પડે તેમજ આ રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે તેઓ કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત, આ વિસ્તારના ખેડૂતો આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવીને વધુ ઉત્પાદન મેળવીને સમૃદ્ધ બને તે માટે પોતે કાર્યશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ શિક્ષણ પર ખાસ ધ્યાન આપીને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ પ્રોત્સાહન આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter