અમદાવાદઃ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝના ગુજરાતના મંત્રી અને રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય તથા રેડિકલ હ્યુમેનિસ્ટ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ ગૌતમ ઠાકરનું ૭૨ વર્ષની વયે આઠમી સપ્ટેમ્બરે વહેલી સવારે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદયની તકલીફને લઈને બીમાર હતા. તેમની અંતિમ યાત્રામાં વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા. ગુજરાતમાં કામદારો-નાગરિક અધિકારોની લડત, લોકશાહીના મૂલ્યોની જાળવણી, માનવ અધિકારો માટે અવાજ ઉઠાવવા સહિત અનેક મુદ્દે અનન્ય પ્રદાન બદલ એક કર્મશીલ લડવૈયા તરીકે તેમને યાદ રખાશે.
૧૧-૦૯-૧૯૪૬ના રોજ અમદાવાદમાં જન્મેલા ગૌતમભાઈ કોલેજકાળથી જયપ્રકાશ નારાયણના છાત્રા યુવા સંઘર્ષ વાહિનીમાં જોડાઈને છેવટ લગી જાહેરજીવનનો ધબકાર બનીને રહ્યા હતા. માનવ અધિકારોના રક્ષણની રાજકીય અને નાગરિક સ્વતંત્રતાની ચળવળ સાથે છેલ્લા ૫૦ કરતાં વધુ વર્ષોથી સંકળાયેલા હતા.
ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. દલિતો, આદિવાસીઓ, મહિલાઓ અને બાળકો સહિતના નાગરિક અધિકારોના રક્ષણ માટે તેમણે તમામ સરકારો સાથે બાથ ભીડી હતી.


