અમદાવાદ: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પોલીસકર્મી યુવરાજસિંહ ઝાલા સાતમી ફેબ્રુઆરીએ બપોરે પોલીસ સ્ટેશન માટે ફાળવેલી જમીન બાબતના કામકાજ અંગે નરોડા ગામમાં આવેલી મામલતદાર કચેરીએ ગયા હતા. ઈમારતની સીડી નજીક આવતાં તેઓને અચાનક જ છીંક આવી ગઈ હતી. છીંક આવતાંની સાથે જ નજીકમાં ઉભેલા બે માણસમાંથી એક જણે તેની પાસે આવીને કહ્યું હતું કે, હું સારા કામે ઘરેથી નીકળ્યો છું. તેં છીંક કેમ ખાધી? યુવરાજસિંહને કંઈ પણ સમજાય તે પહેલાં જ પેલા માણસે તેને અશ્લિલ ગાળો આપવાની શરૂ કરી દીધી હતી. યુવરાજસિંહે પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપીને અહીં સરકારી કામકાજ અર્થે આવ્યો હોવાનું કહેવા છતાં બંને આરોપીઓએ તું કેવી રીતે સરકારી કામકાજ કરે છે? કહીને તેની સાથે મારામારી કરવાની શરૂ કરી દીધી હતી.
આટલું ઓછું હોય તેમ બંને જણાએ બીજા ત્રણ લોકોને બોલાવી લીધા અને જોતજોતામાં પાંચ જણાએ ભેગા થઈને પોલીસ જવાનને ઢોર માર મારવાનો શરૂ કર્યો હતો. જવાનને મોઢાનાં ભાગે પાંચેય જણાએ મુક્કા મારતાં પોલીસકર્મીને નાક અને આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. યુવરાજસિંહે એ પછીથી બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પીઆઇ એ. જે ચૌહાણને જાણ કરાતાં તેઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસકર્મીને માર મારનાર પાંચેય જગદીશ ભરવાડ, ભરત ભરવાડ, વિપુલ ભરવાડ, સંજય ભરવાડ અને રવિ ભરવાડ ત્યાં હાજર હતા તેઓને પકડી લેવાયા હતા. ઇજાગ્રસ્ત યુવરાજસિંહને સારવાર માટે ખસેડતા તેઓને નાકનાં ભાગે ફેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું.

