નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું છે કે વિપક્ષ સત્તા પર હતો ત્યારે સત્તા તેના માટે ઉપભોગની વસ્તુ હતી. હવે વિપક્ષમાં છે પણ તેને ખબર નથી કે વિપક્ષ તરીકે કેમ વર્તવું જોઈએ. તેમણે કહ્યું કે ‘ભ્રષ્ટાચાર સામેની મારી લડાઈમાં કોઈ જ સમજૂતી નહીં થાય અને તેમાં જે પકડાશે તે બચશે નહીં. કોઈ મારા સગાં નથી.’
નાણાંપ્રધાન અરુણ જેટલીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વડા પ્રધાને કરેલા સંબોધનની વિગત આપતાં કહ્યું હતું કે ‘યુપીએ સરકારે કાળા નાણાં મામલે અને ભ્રષ્ટાચાર મામલે એક પગલું પણ લીધું ન હતું અને એટલે જ તેના નેતાઓ હવે આ મામલે પગલાં લેવાઈ રહ્યાં છે એટલે અકળાય છે.’ તેમણે કહ્યું કે મોદી સરકાર સામે કોઈ જ સ્પષ્ટ આક્ષેપ નથી તેમ છતાં વિપક્ષ તેની સામે અત્યંત કડવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યો છે.
વડા પ્રધાને કહ્યું કે દેશમાં આજે ભાજપ જેટલો સક્રિય કોઈ રાજકીય પક્ષ નથી. ભાજપ માટે રાજનીતિ ચૂંટણીની પ્રક્રિયા સિવાય સેવાનું માધ્યમ છે. સત્તાના માધ્યમથી લોકતંત્રને જનભાગીદારીમાં બદલવાનું કામ રાજકીય પક્ષોનું છે અને ભાજપ આમ કરી રહ્યો છે. ચૂંટણી તેનું એક અંગ છે. વડા પ્રધાને બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ પહેલેનો ઉલ્લેખ કર્યો હતો.

