અમદાવાદઃ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં મધ્ય પ્રદેશના ગવર્નર આનંદીબહેન પટેલની આત્મકથા ‘કર્મયાત્રી’નું ૧૬મી માર્ચે અમદાવાદના ટાગોર હોલમાં વિમોચન કરાયું હતું. પુસ્તક વિમોચન પ્રસંગે કથાકાર રમેશ ઓઝા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ પી કોહલી, જાણીતા લેખક જય વસાવડા હાજર હતા. આ પ્રસંગે ભાઈજી રમેશ ઓઝાએ જણાવ્યું હતું કે, ‘યાત્રા શબ્દ જ ગતિ દર્શાવે છે.’
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે ‘ત્રણેક દાયકા ભાજપના કોદર પટેલના સ્વજનનું અવસાન થયું અને તેના બેસણામાં હાજરી આપવા મારી સાથે આનંદીબહેન આવ્યા હતા. એ સમયે ગામડાંમાં બહેનો અને ભાઇઓ માટે બેસવાની અલગ વ્યવસ્થા હતી. આનંદીબહેને કહ્યું કે આ ભેદભાવ હું નહીં ચલાવું અને તેઓ ભાઇઓ વચ્ચે જઇને બેઠાં. એ સમયે મને તેમના મક્કમ મિજાજનો પરિચય થયો.
આનંદીબહેન પટેલે કહ્યું કે, મારાં જીવન ઘડતરમાં મારા માતા-પિતાએ ડગલેને પગલે માર્ગદર્શન આપ્યું છે અને કોઇ ભૂલ કરી છે તો ટપાર્યા પણ છે. મારું બાળપણ ગામડામાં વિત્યું હતું. અમારા ઘરમાં નિયમ હતો કે પરિવારના પ્રત્યેક સદસ્યે સાથે બેસીને જ સાંજનું ભોજન લેવાનું. સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર હું બાળપણથી જ શીખી છું.
આ ઉપરાંત મારી રાજકીય કારકિર્દી ઘડવામાં નરેન્દ્રભાઇ મોદીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. હું શાળામાં પ્રિન્સિપાલ હતી ત્યારે એકવાર નર્મદા નદીમાંથી બે વિદ્યાર્થીઓને ડૂબતી બચાવી હતી. આ ઘટના પછી નરેન્દ્રભાઈ મને ભાજપમાં જોડાવા આગ્રહ કરતા. ઇન્કમ ટેક્સ પાસે એક વૃક્ષ છે ત્યાં મારા રાજકારણમાં જોડાવાનો નિર્ણય લેવાયો હતો. નરેન્દ્ર મોદી પાસેથી નિર્ણય કેવી રીતે લેવા, મીટિંગ કઇ રીતે યોજવી, મીડિયા સાથે કેમ વર્તવું તે શીખી છું. તેઓ કાયમ કહેતા પત્રકાર પૂછે તેના જવાબ ન હોય પણ આપણે ખબર હોય તેટલા જવાબ આપવાના. ભાજપ ‘પા પા પગલી’ ભરતું હતું ત્યારે અમે ગામેગામ જઇને સંગઠન મજબૂત કરતા. એ સમયે અમારી પાસે તૂટેલી જીપ હતી. જેના ડ્રાઇવર નરેન્દ્ર ભાઇ અને સાથી મુસાફરો હું ફકીરભાઇ વાઘેલા, હરેનભાઇ હતા. આવી રીતે નરેન્દ્રભાઇએ પાર્ટીનું સિંચન કર્યું છે અને એટલે જ ૨૧ રાજ્યમાં કમળ છે.


