નવી દિલ્હીઃ ૨૦૦૨માં ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં સામૂહિક દુષ્કર્મનો શિકાર બનેલી અને વિચરતું જીવન જીવતી બિલ્કીસ બાનોને રૂ. ૫૦ લાખ વળતર, નોકરી, મકાન આપવાનો આદેશ કર્યા પછી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગુજરાત સરકારના વકીલ હેમંતિકા વાહીને કહ્યું હતું કે, આ કેસમાં ગુજરાત સરકારની વિરુદ્ધમાં કોઈ નિર્ણય નથી આપ્યો એ જ ઘણું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બિલ્કીસ બાનોએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતના નિર્ણય અને ચુકાદાથી તે ખુશ છે. આઈપીએસ અધિકારી આર. એસ. ભગોરાને બે પાયરી નીચે ઉતારી દેવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. અન્ય ચાર પોલીસવાળાને પણ સજા થઈ છે. બિલ્કીસે કહ્યું કે, હાઇ કોર્ટે જે ચાર પોલીસવાળા અને બે ડોક્ટરોને દોષિત ઠેરવ્યા હતા તેમને ગુજરાત સરકારે પાછા નોકરી પર રાખી લીધા હોવાનું કહેવાતું હતું. જોકે સુપ્રીમે યોગ્ય ન્યાય આપ્યો છે.
નાનકડી દીકરીને કેડમાં તેડી રાખીને બિલ્કીસે કહ્યું હતું કે, મેં બદલાની ભાવના વગર માત્ર બંધારણ પર વિશ્વાસ રાખીને ન્યાયની આશા રાખી હતી જે મને મળ્યો છે. આ દેશના નાગરિક તરીકે હું ન્યાય મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી અને સુપ્રીમ કોર્ટે યોગ્ય ન્યાય કર્યો છે. બિલ્કીસે જણાવ્યું કે, ટ્રોમા, દીકરી સહિત પરિવારના સદસ્યોને ખોઈ દીધા એનાથી હું વધુ ને વધુ મજબૂત બની છું અને આ સંજોગોએ જ મને અત્યાર સુધી લડવાની હિંમત આપી છે.
બિલ્કીસે વળતર અંગે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જે વળતર જાહેર કરાયું છે એ મળશે તેમાંથી કેટલોક હિસ્સો તે ગોધરાકાંડના રમખાણોમાં કેટલાક પીડિતોને પણ આપશે. અંતે બિલ્કીસ બાનોએ કહ્યું કે, હું રમખાણોમાં ઘરના સભ્યોને તો ખોઈ ચૂકી છું પણ મારી ઇચ્છા છે કે મારી દીકરી મોટી થઈને વકીલ બને અને સામાજિક અન્યાય સહન કરતા પીડિતોને ન્યાય અપાવે.
કેસની વિગત
ત્રીજી માર્ચ ૨૦૦૨ના રોજ રમખાણોમાં ગુજરાતના રણધિકપુર ગામમાં ગર્ભવતી બિલ્કીસ બાનો પર સામૂહિક દુષ્કર્મ કરાયું હતું અને તેના પરિવારના ૭ સભ્યોની હત્યા કરાઇ હતી. આ કેસમાં ખાસ કોર્ટે ૨૧મી જાન્યુઆરી ૨૦૦૮ના રોજ ૧૧ દોષિતોને જન્મટીપની સજા કરી હતી. જ્યારે પોલીસકર્મીઓ અને ડોક્ટરો સહિત ૭ને દોષમુક્ત ઠેરવ્યા હતા. જેની સામે બોમ્બે હાઇ કોર્ટે ૪ મે ૨૦૧૭ના રોજ દોષિતોની સજા બહાલ રાખી હતી. ગુજરાત હાઈ કોર્ટમાં જ્યારે આ કેસ ચાલતો હતો ત્યારે રાજ્ય સરકાર તરફથી રૂ. ૫ લાખનું વળતર ઓફર કરાયું હતું, પરંતુ બિલ્કીસ બાનોએ નકારી કાઢ્યું હતું. સુપ્રીમમાં તેણે વધુ વળતરની માગ કરી હતી.
૧૧ને આજીવન કેદ
આ ગેંગરેપ અને હત્યાકાંડ મામલે જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોશી, કોસરભાઇ વોહાનિયા, બકાભાઈ વોહાનિયા, પ્રદીપ મરોડિયા, રાજુભાઈ સોની, રમેશ ચંદાના અને મિતેશ ભટ્ટને સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ આ કેસ બોમ્બે હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો. જ્યાં બોમ્બે હાઇ કોર્ટે પણ તમામ આરોપીઓની સજા યથાવત રાખી હતી.