અમદાવાદઃ રાજ્યમાં માસ્ક વિના ફરતા અને હજારોનાં ટોળાં સાથે રેલીઓ યોજતા નેતાઓ સામે લાલ આંખ કરતા ગુજરાત હાઇ કોર્ટે પાંચમીએ સુઓમોટો કરી છે. હાઈ કોર્ટે જાહેર હિતની અરજીના આધારે આવા બેજવાબદાર રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને આકરો દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. ચિફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારી વકીલને આ મામલે કડક કાર્યવાહી કરવા ટકોર કરી હતી.
હાઈ કોર્ટે માસ્ક વિના ફરતા લોકો વિશેના અખબારી અહેવાલો અને રાજકીય રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી રહ્યા હોવાના મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન ખંભાતમાં મંજૂરી વિના કાઢવામાં આવેલા મોહર્રમના જુલૂસ મુદ્દે પણ હાઇ કોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં હાઇ કોર્ટે ગૃહ સચિવને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. આણંદ કલેક્ટર અને એસપીને અલગ તપાસ કરવા આદેશ કર્યો છે.
અમદાવાદના મેયર જ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યાં!
ઉલ્લેખનીય છે કે અમદાવાદના મેયર બીજલ પટેલ ફરી સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઈન ભૂલતાં વિવાદમાં છે. પમી ઓક્ટોબરે બાયો-ડાયવર્સિટી પાર્કના લોકાર્પણ સમયે મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક અને ભાજપના કોર્પોરેટર હાજર હતા. રિબિન કાપતી વખતે મેયર સોશિયલ ડિસ્ટન્સિંગની ‘દો ગજ કી દૂરી’ ભૂલી જતાં લોકોએ પ્રશ્નો ઊઠાવ્યા હતા.


