મૂળ જામખંભાળિયાના અને વર્ષોથી બ્રિટનના મિડલસેક્સમાં આવેલા કર્કલેન્ડ ડ્રાઈવ વિસ્તારમાં સ્થાયી થયેલા રાજેશભાઈ વડગામા અને તેમનાં પત્ની સીમાબહેન અમદાવાદ ફરવા આવ્યા હતા. ૨૦મી નવેમ્બરે રાત્રે દંપતી અમદાવાદના મીઠાખળી છ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઇડથી આવતી બાઇકના બે સવારોમાંથી પાછળ બેઠેલા યુવકે સીમાબહેનના હાથમાંથી બેગ ઝૂંટવવાની કોશિશ કરી, પણ સીમાબહેને મજબૂતીથી બેગ પકડી રાખી અને પોતાની તરફ ખેંચી. જેથી બાઇક પાછળ બેઠેલો યુવક પડી ગયો અને બાઇક સવારે બાઇકનું બેલેન્સ ગુમાવતાં બાઇક પણ પડી ગઈ. આ દરમિયાન સીમાબહેન અને તેમના પતિએ બૂમાબૂમ કરી મૂકતાં ભીડ એકઠી થઈ ગઈ અને બાઇક સવારોને નવરંગપુરા પોલીસને હવાલે કરવામાં આવ્યા. અમદાવાદના ગોમતીપુરમાં આવેલી નૂરબાઈ ધોબીની ચાલીના રહીશો ઇશ્તિયાક અલી મંસૂરી અને હૈદરઅલી શેખ સામે પોલીસે બેગ સ્નેચિંગની કોશિશનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
• અડાલજની વાવ સૂરોથી રણકીઃ ૧૭મી નવેમ્બરે રાત્રે દુલ્હનની જેમ સજેલી અડાલજની વાવ સૂરોથી રણકી ઊઠી હતી. છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદ શહેરમાં ‘ક્રાફ્ટ ઓફ આર્ટના બેનર તળે ‘વોટર ફેસ્ટિવલ’નું આયોજન થાય છે. જે અંતર્ગત ૧૭મી નવેમ્બરે અડાલજની વાવ ખાતે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં પર્ક્યુશન અને ફ્યુઝન મ્યુઝિકની મજા શ્રોતાઓએ માણી હતી.
• રાજ્યમાં બે વર્ષમાં એક હજાર ગ્રીન સ્કૂલ્સઃ ઈન્ટરનેશનલ ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસ કોન્ફરન્સના ત્રીજા અને આખરી દિવસે એટલે કે ૨૨મીએ દેશના વિવિધ ભાગોમાં આવેલી સ્થાપત્યની શાળા - કોલેજના વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરાયા હતા અને આઈજીબીસી ગ્રીન રેટિંગ સિસ્ટમ હેઠળ વર્ષ ૨૦૧૭ સુધીમાં ૧૦૦ ગ્રીન શાળાઓ સ્થાપવા પ્રયાસ કરી રહી છે તેવું આઈજીબીસી દ્વારા જણાવાયું હતું.
• ગુજરાતમાં ઉજવાશે સાહિત્યોત્સવઃ ગુજરાત યુનિ.ના ઈતિહાસમાં સૌપ્રથમ વખત માતૃભાષા પર્વની ઉજવણીના ભાગરૂપે પહેલીથી ત્રીજી જાન્યુઆરી દરમિયાન સાહિત્યોત્સવની ઉજવણી થશે. આ સાહિત્યોત્સવમાં ગુજરાતના નામાંકિત સાહિત્યકારો, લોક સાહિત્યકારો અને કવિ-લેખકો ભાગ લેશે. યુનિ. કન્વેન્શન હોલમાં યોજાનારા આ કાર્યક્રમ માટે હાલમાં રજિસ્ટ્રેશન માટે એક અલગ વેબસાઈટ તૈયાર થઈ છે અને બે હજારથી વધુ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દીધું હોવાના સમાચાર છે.