હ્યુસ્ટનઃ અમેરિકાનાં વ્હાઇટ હાઉસમાં ભારતીય મૂળની એક યુવતીને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાઈ છે. મિનાસ પટેલ-ડેવિસને માનવ તસ્કરી વિરુદ્ધ જંગ છેડવા બદલ વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ પ્રેસિડેન્શિયલ એવોર્ડ એનાયત કર્યો છે. મિનાસ પટેલ માનવ તસ્કરીના મામલે હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરના વિશેષ સલાહકાર છે.
એવોર્ડ એનાયત કરવાના સમારોહમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. મિનાસે આ એવોર્ડ મળ્યા બાદ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, આ ખૂબ જ મહત્ત્વની ક્ષણ છે. મારાં માતા-પિતા ભારતથી અહીં આવ્યાં છે. અમારા પરિવારમાં હું પહેલી વ્યક્તિ છું, જેનો જન્મ અમેરિકામાં થયો છે. આ સંદર્ભે મૂલવવામાં આવે તો કેટલાંક વર્ષો પહેલાં મેયર ઓફિસમાં નિમણૂંક અને ત્યાર બાદ હવે વ્હાઇટ હાઉસ સુધી પહોંચવાની મારી યાત્રા અવિશ્વસનીય છે.
મિનાસ પટેલની ૨૦૧૫માં હ્યુસ્ટન મેયરના વિશેષ સલાહકાર નિયુક્ત થઈ હતી. અમેરિકાના ચોથા ક્રમના સૌથી મોટાં શહેરમાં માનવ તસ્કરી રોકવા માટે તેમણે કેટલાય પ્રભાવશાળી પગલાં ભર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે મિનાસ યુનાઇટેડ નેશન્સની વર્લ્ડ હ્યુમેનિટેરિયન સમિટ પણ સંબોધી ચૂક્યાં છે. હાલમાં તેમણે ગૃહ વિભાગના અનુરોધ પર ભારત અને કેનેડાની મુલાકાત લીધી હતી. બંને દેશોમાં તેમણે માનવ તસ્કરી રોકવા માટે જરૂરી પગલાં અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.


