મિલે સૂર મેરા તુમ્હારાઃ મુસ્લિમ ઉસ્તાદ પાસે સારંગીવાદન શીખતા સ્વામી નારાયણચરણદાસજી

ખુશાલી દવે Wednesday 14th September 2016 07:37 EDT
 
 

અમદાવાદઃ કહેવાય છે કે મુઘલ સમ્રાટ અકબરના વખતમાં દ્રુપદ રાગ વીણા પર છેડવામાં આવતો હતો. એ પછી હઝર અમીર ખુસરોએ તારવાદ્ય સારંગી બનાવી. મુસ્લિમ સંગીતકાર ખુસરોએ બનાવેલી સારંગીનો આજે ભારતના પ્રાચીન તારવાદ્યમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત સારંગી પરના ચાળીસ તારનું વ્યવસ્થિત ટ્યૂનિંગ કરો પછી તેના તાર છેડો તો ઓમકાર ધ્વનિ પણ પ્રસરે છે. વર્ષો પહેલાં મુસ્લિમ સંગીતકારે બનાવેલી સારંગીમાંથી ઓમકાર ધ્વનિ જેમ પ્રસરે છે તેવી જ રીતે ઇતિહાસ પોતાને દોહરાવે તે ન્યાયે સારંગીમાંથી સ્વામીનારાયણ ભક્તિગીતો પણ આજે રેલાઈ રહ્યાં છે અને આ કીર્તન માટે એક સ્વામીનારાયણ સંતને સારંગીવાદનનું જ્ઞાન આપી રહ્યાં છે, મુસ્લિમ સારંગીવાદન ઉસ્તાદો.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, અમદાવાદમાં આવેલા મેમનગરના શ્રી સ્વામીનારાયણ ગુરુકુળમાં મુસ્લિમ ઉસ્તાદો સ્વામી નારાયણચરણદાસજીને સારંગી શીખવે છે. નારાયણ-ચરણદાસજી એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદાંત આચાર્યનો અભ્યાસ કરે છે અને પાંચેક વર્ષથી સારંગીવાદનની વિદ્યા પણ પ્રાપ્ત કરી રહ્યા છે.
નારાયણચરણદાસજી કહે છે કે, મને પહેલાંથી જ ભક્તિ સંગીતમાં રસ રહ્યો છે. ગુરુકુળના ભક્તિસંગીતના કાર્યક્રમોમાં હું હંમેશાં સક્રિય રીતે ભાગ લેતો હતો. એ જોઈને અમારા ગુરુજી માધવપ્રિયદાસ સ્વામીજી તથા બાલકૃષ્ણદાસ સ્વામીજીએ એમની ઈચ્છા વ્યક્ત કરી કે, હું સારંગીવાદનની તાલીમ લઉં. કારણ કે સ્વામીનારાયણના અષ્ટ સંતોમાંથી પ્રેમાનંદજી સારંગીવાદન કરતા હતા. એમનો વારસો જાળવવો જ જોઈએ. ગુરુજીઓની ઈચ્છાને માન આપીને મેં સારંગી વાદન શીખવા માટેનો નિશ્ચય આશરે પાંચેક વર્ષ પહેલાં કર્યો હતો.
ગુરુકુળના અન્ય સંતોની મદદથી અમદાવાદમાં સારંગી શીખવતા ઉસ્તાદ અને ગુરુજીઓનો સંપર્ક અમે મેળવ્યો. હાલમાં ઉસ્તાદ મોઈનુદ્દીનખાં સહેબ, ઉસ્તાદ અશરફખાં સાહેબ, ઉસ્તાદ વિક્રમખાં સાહેબ તથા કશ્યપભાઈ દવે મને સારંગીવાદનનું જ્ઞાન આપી રહ્યા છે. પ્રસંગોપાત્ત એવું બને કે અશરફખાં સાહેબ વ્યસ્ત હોય તો તેમના પુત્ર ઈસ્ફાનખાં પણ સ્વામીનારાયણ ગુરુકુળમાં મને સારંગી શીખવવા માટે આવે છે.
હું સારંગી શીખતાં ગર્વ અનુભવી રહ્યો છું કે કારણ કે મહાન સ્વામીનારાયણ સંતશ્રી પ્રેમાનંદસ્વામી પણ સારંગીવાદન દ્વારા ભજન-કીર્તનો વગાડીને ભગવાન સ્વામીનારાયણની ભક્તિ કરતા હતા. તેમને રાજી કરતા હતા. પ્રેમાનંદજી જે સારંગી વગાડતા હતા તે સારંગી વડતાલ અક્ષરભુવનમાં સાચવીને રાખવામાં પણ આવી છે. હું પણ ધનશ્યામ મહારાજની સમક્ષ સારંગી વગાડું છું ત્યારે અત્યંત આનંદ અનુભુવું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter