અમદાવાદઃ મુંબઈમાં મીરા રોડ પર ચાલતા કોલ સેન્ટરોમાંથી અમેરિકનોને ધમકી આપી કરોડો ખંખેરતા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કોલ સેન્ટરમાં કામ કરતા ૭૧ની ધરપકડ જ્યારે ૫૦૦ની અટકાયત કરી છે. આઠ રેકેટનો મુખ્ય સૂત્રધાર શાહગર ઉર્ફે શાઠા ઠક્કરની થાણે પોલીસે શોધખોળ હાથ ધરી છે. તપાસમાં કોલસેન્ટરના કૌભાંડના તાર અમદાવાદ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.
થાણે પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ પ્રહલાદનગરના પિનાકલ બિલ્ડિંગમાં આવેલા કોલસેન્ટરમાં દરોડો પાડ્યો હતો. જોકે કોલસેન્ટર બંધ હતું. આ ઉપરાંત થાણે પોલીસે અમદાવાદના બીજા પાંચ સ્થળે ચાલતા કોલસેન્ટરોમાં દરોડા પાડવા પહોંચતા આ તમામ કોલસેન્ટરો પણ બંધ હોવાથી પોલીસની ટીમ કોઈ કાર્યવાહી વગર પરત ફરી હતી. મુંબઈમાં ઝડપાયેલા કૌભાંડના પગલે અમદાવાદના કેટલાય કોલ સેન્ટરના શટર રાતોરાત બંધ થઈ ગયા હતા.
કોલસેન્ટરો અમેરિકનો પાસેથી આ રીતે રૂપિયા પડાવે છે.
• કોલસેન્ટરો અમેરિકનોના બેન્ક ખાતાની (લીડ) વિગતો ખાનગી એજન્સીઓ પાસેથી રૂપિયા આપી મેળવે છે.
• લીડના આધારે કોલ સેન્ટરોમાં કામ કરતા લોકો પોતે અમેરિકન અધિકારી તરીકે ફોન કરી ટેક્સ ભરવાનો બાકી છે અથવા તો લોન ભરપાઈ નથી કરી જણાવી ડરાવી રૂપિયા પડાવે છે.
• જે અમેરિકન કોલ સેન્ટરના ફોનથી ડરી જાય તે એકાઉન્ટ નંબરમાં રૂપિયા જમા કરાવે છે.

