મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કહ્યું કે સી.બી. પટેલને ખાસ કહેજો કે ડાયરેક્ટ ફ્લાઈટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે

Friday 05th December 2014 08:12 EST
 
 

અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ ફરીને ચાલુ કરવા માટે ગુજરાતમાં કેમ્પેઈન ચાલી જ રહી છે. જુદા જુદા સંસદસભ્યો ગુજરાત સરકારના મંત્રીઓ તથા અન્ય ઉદ્યોગજગતના આગેવાનો આવી ફ્લાઈટ ચાલુ કરવા માટે પ્રયત્નશીલ છે. તેઓ કેન્દ્ર સરકારમાં લેખિત રજૂઆતો કરી રહ્યા છે.
આ પ્રયત્નમાં એક મોટી સફળતા એ મળી કે, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે લંડનમાં ચાલી રહેલી આવી કેમ્પેઈનથી આકર્ષાઈને કહ્યું કે, સી.બી. પટેલને કહેજો કે, તેમણે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવી ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવાનો પત્ર લખ્યો છે.
ગુજરાતમાં દર વર્ષે અત્યાર સુધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિવાળી પછી પત્રકારો સાથેનો નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ સંમેલન તેમના સત્તાવાર નિવાસસ્થાને રાખતા આવ્યા છે. સો ઉપરાંત પત્રકારો તથા ખૂબ મોટી સંખ્યામાં મંત્રીમંડળના બધા સભ્યો, ભાજપના સંસદસભ્યો, બોર્ડ-કોર્પોરેશનના ચેરમેનો વગેરે આ સ્નેહસંમેલનમાં હાજરી આપતા હોય છે.
આ પ્રણાલિને અને પરંપરાને ચાલુ રાખવા હાલના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તા. ૭ નવેમ્બરને શુક્રવારના રોજ આવું સ્નેહ સંમેલન પત્રકારો સાથેનું ગાંધીનગરમાં મંત્રીશ્રીઓના નિવાસસ્થાનમાં આવેલા કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યું હતું.
ઔપચારિક બે શબ્દોના પ્રવચન બાદ આનંદીબહેન પટેલ પત્રકારોને વ્યક્તિગત તથા સમૂહમાં મળતાં હતાં અને સાથે બપોરનું ભોજન પણ લીધું હતું.
તેઓ જ્યારે તેમના કેટલાક આગેવાનો સાથે હતા તે વખતે અમદાવાદ-લંડન-અમદાવાદ માટેની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ માટેની કમિટી ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના ઈન્ડિયાના કો-ઓર્ડિનેટર વરિષ્ઠ પત્રકાર ભુપતભાઈ પારેખે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને લંડનમાં ચાલી રહેલી કેમ્પેઈનની માહિતી આપતા કહ્યું હતું કે, લંડનમાં હાઉસ ઓફ લોર્ડસના કેટલાક મેમ્બર સહિત ઓલ પાર્ટી કમિટીના યુ.કે.ના કો-ઓર્ડિનેટર અને ગુજરાત સમાચાર - લંડનના તંત્રી-પ્રકાશક સી.બી. પટેલ દ્વારા ભારતમાં કેન્દ્રમાં આવેલી નવી સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યા છે તથા વડા પ્રધાનને પણ પત્રો લખ્યા છે.
આ બધી વિગતોની વિસ્તૃત માહિતી મેળવ્યા બાદ આનંદીબહેન પટેલે એવું કહ્યું હતું કે, હું સી.બી. પટેલને ઘણાં વર્ષોથી સારી રીતે જાણું છું. તેઓ અને લંડનના હાઉસ ઓફ લોર્ડસના મેમ્બર્સ આવી કેમ્પેઈન ચલાવતા હોય તો મેં પણ વડા પ્રધાનને આવી ડાયરેક્ટ ફ્લાઈટ માટે પત્ર લખ્યો છે. તેવું સી.બી. પટેલને ખાસ જણાવજો.
આ સ્નેહસંમેલનમાં ગુજરાત સરકારના નાગરિક ઊડ્ડયન વિભાગ સંભાળતા સૌરભભાઈ પટેલ પણ હાજર હતા. તેમણે પણ ભુપત પારેખને જણાવ્યું હતું કે, અમે પણ ગુજરાત સરકાર વતી કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીને પત્ર લખ્યો છે.
આવી રીતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ સ્નેહસંમેલનમાં હાજર હતા તેમણે કહ્યું હતું કે, મેં વડા પ્રધાનને આ બાબતનો પત્ર લખ્યો છે કારણ કે અહીં અમદાવાદમાં જુલાઈ-૨૦૧૦માં તે વખતના કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ અમદાવાદના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ-૨નું ઉદઘાટન કરવા આવ્યા હતા ત્યારે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવાની માંગણી કરી હતી આથી નરેન્દ્ર ભાઈ આ બાબતની વિગતોથી જાણકાર છે. આથી મેં વડા પ્રધાનને પત્ર લખ્યો છે.

ભાજપના સાંસદ ચુનીભાઈ ગોહિલ ડાયરેક્ટ ફ્લાઈટ માટે અવાજ ઉઠાવશે
ગુજરાતના રાજ્યસભાના ભાજપના સભ્ય ચુનીભાઈ ગોહિલે અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવા કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીને પત્ર લખવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, તેમણે તો સામેથી કહ્યું હતું કે હું રાજ્યસભામાં ૨૪ નવેમ્બરથી સંસદનું અધિવેશન શરૂ થાય છે તેમાં પ્રશ્ન પણ પૂછવાનો છું. સૌરાષ્ટ્રના વતની ચુનીભાઈ સંસદસભ્ય તરીકેના કામ માટે ગાંધીનગર-અમદાવાદ આવ્યા હતા ત્યારે ડાયરેક્ટ ફ્લાઈટ કમિટીના ભારતના કો-ઓર્ડિનેટર ભુપતભાઈ પારેખને અમદાવાદના સર્કીટ હાઉસ, એનેક્સીમાં મળ્યા હતા. તેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય હતા. આથી ધારાસભા વિશેની વાતચીત દરમિયાન લંડનમાં ચાલતી ડાયરેક્ટ ફ્લાઈટ માટેની વિગતો જાણ્યા બાદ તેમણે સામેથી કહ્યું હતું કે, આવી ડાયરેક્ટ ફ્લાઈટ ફરીને શરૂ કરવાથી ગુજરાતને ખૂબ મોટો ફાયદો થાય તેમ છે. આથી હું નાગરિક ઊડ્ડયન પ્રધાનને પત્ર લખીશ એટલું જ નહીં, પરંતુ ૨૪મીથી શરૂ થતાં સંસદના અધિવેશનમાં રાજ્યસભામાં પ્રશ્ન પણ પૂછીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter