ગાંધીનગરઃ ભાજપ હાઇ કમાન્ડે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વિજયભાઇ રૂપાણીના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. મુખ્ય પ્રધાન પદેથી આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યા બાદ તેમના અનુગામી બનવાની સ્પર્ધામાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પરષોત્તમભાઇ રૂપાલા અને રાજ્યના વરિષ્ઠ પ્રધાનો નીતિનભાઇ પટેલ અને નાણાં પ્રધાન સૌરભભાઇ દલાલ જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓ હતા. જોકે રાજકોટના વતની વિજયભાઇ આ તમામને પાછળ રાખીને મુખ્ય પ્રધાન પદના સર્વસંમત ઉમેદવાર તરીકે ઉભર્યા છે. જ્યારે છેલ્લે સુધી મુખ્ય પ્રધાન પદની રેસમાં મોખરે ગણાતા નીતિનભાઇ પટેલને નાયબ મુખ્ય પ્રધાન બનાવાયા છે. આ જાહેરાત સાથે જ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતી અટકળોનો અંત આવી ગયો છે.
ગુજરાત પ્રદેશ ભાજપના વડા મથક કમલમમાં શુક્રવારે સાંજે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. નવા નેતાની પસંદગી માટે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય નીરિક્ષકો તરીકે વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને સરોજ પાંડે, ગુજરાત ભાજપના પ્રભારી દિનેશ શર્મા તથા વી. સતીષ, વિદાય લઇ રહેલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, આઇ. કે. જાડેજા સહિતના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભાજપ માટે ગુજરાત ‘સરતાજ’ સમાન છે. ભાજપ ગુજરાતને હંમેશા મોડેલ સ્ટેટ તરીકે પ્રોજેક્ટ કરતું રહ્યું છે અને લોકસભાના ચૂંટણીપ્રચારમાં પણ ગુજરાત મોડેલ જ કેન્દ્રસ્થાને રજૂ રહ્યું હતું. આ બધા કારણસર જ ગુજરાતના નવા મુખ્ય પ્રધાનની પસંદગી ખૂબ જ અગત્યની હતી. નવા મુખ્ય પ્રધાનના શિરે ગુજરાતને વિકાસના પંથે આગળ લઇ જવાની જવાબદારી તો હશે જ, સાથોસાથ પક્ષને આવતા વર્ષે ૨૦૧૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જ્વલંત વિજય પણ અપાવવાનું લક્ષ્ય પાર પાડવું પડશે.


