અમદાવાદ: મણિનગરમાં આરએસએસના નવનિર્મિત મુખ્ય કાર્યાલય ડો. હેડગેવાર ભવનનું ૧૬મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક ડો. મોહન ભાગવતના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ડો. હેડગેવાર ભવનમાં ભારત માતા સમક્ષ દીપ પ્રજ્વલન કરીને ભાગવતે ભવન ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ સહિતના વરિષ્ઠ નેતાઓ તેમજ આરએસએસના સેંકડો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સમારોહ બાદ વિજય રૂપાણી અને ડો. મોહન ભાગવત વચ્ચે ૩૦ મિનિટ બેઠક યોજાઈ હતી જેમાં ડો. મોહન ભાગવતે સમાજના તમામ વર્ગમાં સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે અંગે પગલાં લેવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાતની વર્તમાન સામાજિક રાજકીય સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હતી.


