મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનની મુલાકાતેઃ સરદારની પ્રતિમાનું લોકાર્પણ

Wednesday 23rd October 2019 06:46 EDT
 
 

ગાંધીનગરઃ ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૯મી ઓક્ટોબરે અંદિજાન શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની અર્ધપ્રતિમાનું અનાવણ અને સ્ટ્રીટનું નામ સરદાર પટેલ કર્યું હતું. પહેલા દિવસે તેમણે અંદિજાનમાં શારદા યુનિવર્સિટીનો આરંભ પણ કરાવ્યો હતો. ૨૧મી ઓક્ટોબરે રૂપાણીએ બુખારાના ગવર્નર ઓકતામ બર્નોવેય સાથે મુલાકાત કરીને વડનગરના તોરણની પ્રતિમા આપી હતી.
અંદિજાનમાં શારદા યુનિવર્સિટીનો પ્રારંભ
શારદા યુનિવર્સિટી ઉઝબેકિસ્તાનના અંદિજાન અને ફરગ પ્રદેશના વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટ માટે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન સુવિધા આપશે તેમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. ૧૯મી ઓક્ટોબરે સવારે મુખ્ય પ્રધાન, તેમનાં પત્ની અંજલિ રૂપાણી તથા મહેમાનોનું યુનિવર્સિટીના પ્રાંગણમાં બેન્ડની સુરાવલિઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંદિજાન રિજિયનમાં પહેલીવાર યોજાઈ રહેલી ફર્સ્ટ ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ ફોરમના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્ય પ્રધાન રૂપાણી અને તેમની સાથે ગુજરાતના ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. ઉઝબેકિસ્તાન વાઈબન્ટ સમિટમાં ગુજરાત સાથે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલું છે.વર્ષ ૨૦૧૮માં અંદિજાન-ગુજરાત વચ્ચે પરસ્પર સહયોગ અને ભાગીદારી માટે થયેલા એમઓયુ ઉલ્લેખ કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, મધ્ય એશિયાના દેશોમાં રહેલી વિશાળ સંભાવનાની ફળશ્રુતિએ ગુજરાતની ઘણી કંપનીઓ, ઉદ્યોગોને ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિક્લ, ટેક્સટાઈલ સેક્ટરમાં રોકાણની તકો મળી શકે તેમ છે. ભારત- ઉઝબેકિસ્તાન વચ્ચે આર્થિક સંભાવનાઓના અભ્યાસ માટે જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની સ્થાપના કરવામાં આવી છે.
આ ગ્રુપ બંને દેશો વચ્ચે પ્રેફરેન્શિયલ ટ્રેડ એગ્રિમેન્ટની દિશામાં મહત્વપૂર્ણ બનશે. હાલમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દ્રિપક્ષીય વેપાર ૩૦૦ મિલિયન અમેરિકન ડોલરનો છે તે વધારીને ૧ બિલિયન ડોલરે લઈ જવાનો લક્ષ્યાંક છે.
ઉઝબેકિસ્તાન ડેલિગેશન કૃષિ અભ્યાસ માટે ગુજરાત આવશે
બીજા દિવસે ૨૦મી ઓક્ટોબરે ઉઝબેકિસ્તાન વિજય રૂપાણીએ ગુજરાતમાં ગૌમૂત્ર, છાણ, અન્ય કુદરતી પદાર્થો સાથે કરાતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અંગે સમરકંદના ગવર્નર એર્કિન્જોન ટુર્ડીમોવને માહિતગાર કર્યા હતા અને જેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. જેના ભાગરૂપે તેમણે ઉઝબેકિસ્તાનના બાયોટેક્નોલોજી ક્ષેત્રના તજજ્ઞો-ખેડૂતોનું જોઇન્ટ વર્કિંગ ગ્રુપ પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે ગુજરાત મોકલવાનું સૂચન પણ સમરકંદના ગવર્નર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ બેઠક દરમિયાન કૃષિ સહિત ટેક્ષટાઇલ, ફાર્મા, એગ્રો પ્રોસેસિંગ, પ્રવાસન ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગ માટે મુખ્ય પ્રધાન અને સમરકંદના ગવર્નર વચ્ચે વિચાર વિમર્શ થયો હતો. રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ તાસ્કંદથી હાઇસ્પીડ બુલેટ ટ્રેન મારફતે સમરકંદ પહોંચીને કર્યો હતો. ત્યાં સમરકંદમાં બપોર બાદ સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીના ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત બિઝનેસ ટુ બિઝનેસ શ્રૃંખલામાં સમરકંદ-ઉઝબેકિસ્તાનના સ્થાનિક ઉદ્યોગ-વેપારકારોને ગુજરાતી કંપનીઓ સાથે સહયોગ-રોકાણની તકો માટે આમંત્રિત કર્યા હતા.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ઉઝબેકિસ્તાન લિ.નું ભૂમિપૂજન
મુખ્ય પ્રધાને અંદિજાનમાં ઉઝબેક ઇન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ઉઝબેકિસ્તાન લિ.નું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ ભૂમિપૂજન સમારોહમાં અંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવ પણ મુખ્યપ્રધાન સાથે જોડાયા હતાં. રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં ઉઝબેકિસ્તાનના ગવર્નર અને કેડિલા ફાર્મા વચ્ચે થયેલા એમઓયુ અંતર્ગત આ નવતર સાહસ શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે કેડિલા ફાર્મા ૫૦ મિલિયન યુએસ ડોલર્સના રોકાણ સાથે ઉઝબેકિસ્તાનમાં પોતાનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ શરૂ કરવાની છે. આ પ્લાન્ટ દ્વારા ઉઝબેકિસ્તાનમાં ગુણવત્તાયુક્ત અને કિફાયતી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં પ્રશંસનીય કદમ બનશે.
બુખારાના ગવર્નરને વડનગરના તોરણની પ્રતિમાની ભેટ
ઉઝબેકિસ્તાનના પ્રવાસના ત્રીજા દિવસે ૨૧મી ઓક્ટોબરે રૂપાણી સમરકંદથી બુલેટ ટ્રેનથી બુખારા પહોંચ્યા હતા. ત્યાં તેઓએ બુખારાના ગવર્નર ઓકતામ બર્નોવેય સાથે ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સ્માર્ટ સિટીઝ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, આઈ. ટી. એનેબલ્ડ સર્વિસિસ, ટેક્સ્ટાઇલ, ફાર્માસ્યૂટિકલ્સ, એગ્રો ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં સહયોગની તકો વિશે ચર્ચા-વિચારણા કરી હતી. મુખ્ય પ્રધાને ઓકતામને વડનગરના ઐતિહાસિક તોરણની પ્રતિકૃતિ સ્મૃતિભેટ તરીકે આપીને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું હતું.
રૂપાણીએ ઓકતામને જણાવ્યું હતું કે, ઉપરોક્ત ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે ગુજરાતમાંથી યોગ્ય ભાગીદારો શોધવામાં ગુજરાતની મુલાકાત કારગત નીવડશે. મુખ્ય પ્રધાને બિઝનેસ ફોરમમાં જણાવ્યું કે, ઉઝબેકિસ્તાન-બુખારાની માફક ગુજરાતમાં પણ કપાસનું વિપુલ ઉત્પાદન થાય છે, ત્યારે ગુજરાત-ઉઝબેકિસ્તાનના કપાસ ઉત્પાદકો સાથે મળીને ટેક્સ્ટાઇલ ક્ષેત્રમાં વેલ્યૂ એડિશન કરી શકે. એમણે ગુજરાતની પેટ્રોલિયમ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ઉઝબેકિસ્તાનના યુવાનો આવશે તો સરકાર સહાય કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter