ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ મહેસૂલ પ્રધાન હતાં ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પાટલા ગામે અનાર પટેલની સહભાગીદારીની વાઇલ્ડ વૂડ રિસોર્ટ્સ એન્ડ રિયાલિટી પ્રા. લિ.એ તબક્કાવાર ૨૪૫.૬૫ એકર જમીન હસ્તગત કર્યા બાદ બાકીના સર્વે નંબર ૨૫માંથી ૧૭૬.૭૭ એકર જમીન મળીને કુલ ૪૨૨.૩૯ એકર જમીન મેળવવાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે.
પ્રદેશ કોંગ્રેસના પીઢ અગ્રણીએ ચોથી ફેબ્રુઆરીએ અમદાવાદમાં એક પત્રકાર પરિષદ યોજીને આ આક્ષેપ કરતાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આનંદ શર્માએ નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજીને આનંદીબહેનનાં રાજીનામાંની અને આ જમીનકૌભાંડ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી - ‘સીટ’) રચવાની માગ કરી છે.
મોઢવાડિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી તેવો દાવો કરનારા તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને આનંદીબહેનના મહેસૂલ પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બગસરામાં વાઇલ્ડ વુડ રિસોર્ટ એન્ડ રિયાલિટી રિસોર્ટ પ્રા. લિ. કંપની રજિસ્ટર્ડ થઈ હતી. સમગ્ર કૌભાંડની તપાસ માટે સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટના માર્ગદર્શન હેઠળ તપાસ કરવાની માગણી તેમણે કરી હતી.
આ કંપની સંજય વજુભાઈ ધાનક નામના વેપારીના નામે રજિસ્ટર્ડ થઈ ત્યારે ધારી બ્લોકના પાટલા ગામની સર્વે નંબર ૧૩ની ૨૪૫.૬૨ એકર જમીન ફાળવાઇ હતી. આ જમીનનો ભાવ તે સમયે એકર દીઠ માત્ર ૬૦ હજાર ગણાવવામાં આવ્યો હતો જ્યારે ખરેખર તે સમયે જમીનનો એકરદીઠ ભાવ ઓછામાં ઓછો રૂ. ૫૦ લાખ હતો એવો કોંગ્રેસનો દાવો છે.
મોઢવાડિયાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, ઇકો સેન્સિટિવ ઝોનમાં સિંહ અભ્યારણ્યના નિયમ પ્રમાણે બિનવન, બિનખેતી અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ માટે વન સીમમાંથી ૧૦ કિમીની ત્રિજ્યામાં નિયંત્રિત છે. આમ છતાં તત્કાલીન મહેસૂલ પ્રધાન આનંદીબહેન પટેલના દબાણમાં કલેક્ટરે અભ્યારણ્યથી ૨ કિ.મી. દૂર આવેલા વાઇલ્ડ રિસોર્ટસ અને રિયાલિટી પ્રા. લિ.ને મંજૂરી આપી હતી. જમીન ખરીદનારા ઉદ્યોગપતિ સંજય વજુભાઈ ધાનક ભાજપ સાથે સંકળાયેલા હોવાનો અને દુબઈમાં રહેતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. વન વિભાગની તપાસમાં સિંહ, હરણ, મોર સહિતનો વસવાટ બહાર આવતાં જમીન ફાળવવાની મનાઈ કરી હતી
‘કોંગ્રેસના આક્ષેપ બેબુનિયાદ, મુખ્ય પ્રધાન નિષ્ઠાવાન છે’
સમગ્ર કિસ્સામાં મુખ્ય પ્રધાનનાં પુત્રી અનાર પટેલ અને પરિવારને ખોટી રીતે સાંકળીને કોંગ્રેસે પ્રથમ સફળ સુશાસન આપનારાં મુખ્ય પ્રધાન આનંદીબહેનની નિષ્ઠા અને બેદાગ પ્રતિભા પર કાદવ ઉછાળવાની પેરવી કરી છે તેવી પ્રતિક્રિયા ભાજપના પ્રદેશ પ્રવકત્તા આઇ. કે. જાડેજાએ આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે વાઇલ્ડ વૂડ રીસોર્ટસ અને રિયાલીટી પ્રા. લિ.એ નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરીને જ જમીન મેળવી છે.
મારી સામેના આક્ષેપો કોંગ્રેસ પ્રેરિત છે: અનાર પટેલ
કોંગ્રેસ દ્વારા પોતાની સામેના આક્ષેપ અંગે અનારબહેન પટેલે દાવો કર્યો હતો કે, આખી બાબત કોંગ્રેસ પ્રેરિત છે અને તેણે કશું ગેરકાયદેસર કર્યું નથી. તેમણે કહ્યું કે, મેં અને મારા પતિએ બાવીસ કરતાં પણ વધુ વર્ષો સમાજસેવામાં વિતાવ્યા છે. મારા પતિએ સ્વચ્છતા પાછળ જીવન સમર્પિત કર્યું છે. નિરમા યુનિવર્સિટીમાંથી ૨૦૦૮માં એમબીએ કર્યા બાદ વ્યવસાયમાં ઝંપલાવ્યું અને હું દૃઢપણે માનું છું કે, સામાજિક નૈતિકતા સાથે કાયદેસરનો બિઝનેસ કરવો સૌનો અધિકાર છે. જ્યારે અન્ય વ્યક્તિની નૈતિકતા વિશે લોકો ધારણાઓ બાંધી લે છે ત્યારે દુ:ખ થાય છે. સત્યનો હંમેશા વિજય થાય છે.


