રાજકોટઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બીજી ઓગસ્ટે ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪માં વર્ષમાં પ્રવેશ કરતાં જન્મદિવસની ઊજવણી માદરેવતન રાજકોટમાં કરી હતી. સવારથી સાંજ સુધીમાં તેમણે રાજકોટમાં વિવિધ સામાજિક અને આર્થિક વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. કુલ સાત સામાજિક, ધાર્મિક, આર્થિક વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
કુલ સાત સામાજિક, ધાર્મિક, આર્થિક વિકાસના સપ્તરંગી પ્રોજેક્ટની રાજકોટવાસીઓએ મુખ્ય પ્રધાનને ભેટ આપી હતી. મુખ્ય પ્રધાનના હસ્તે પ્રોજેક્ટોનું લોકાર્પણ અને પ્રોત્સાહન થયું હતું. રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાએ લોકમેળાની આવકમાંથી મુખ્ય પ્રધાનના રાહતફંડમાં રૂ. ૧ કરોડ ૫૧ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
આજી ડેમ સાઈટ ખાતે ૪૭ એકરમાં ૧૮થી ૨૨ જાતના કુલ ૨૨,૯૯૫થી વધુ રોપા તેમજ આયુર્વેદિક ઉદ્યાનનું નિર્માણ થયું છે. બે લાખ વૃક્ષો વવાનો લક્ષ્યાંક પૂર્ણ કરાયો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને ગ્લોબલ વોર્મિંગ સામે લોકોને છોડમાં રણછોડ જોવા અને પર્યાવરણનું માત્ર રક્ષણ કરવા જ નહીં તેનું સંવર્ધન કરવા અપીલ કરી હતી.


