ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્ની અંજલિબહેન તથા યુવાન પુત્ર વૃષભ સાથે પાકિસ્તાનની સરહદે આવેલા સુઈગામના નડાબેડમાં બીએસએફની ૧૪૨ બટાલિયનના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેઓ દિવાળીના દિવસે સવારે ૧૦ વાગે હેલિકોપ્ટર દ્વારા સુઈગામ પહોંચ્યા હતા અને ત્યાં બપોરના ૩ વાગ્યા સુધી રોકાઈ તેમણે જવાનો સાથે દિવાળી ઉજવી હતી. બપોરનું ભોજન પણ તેમણે ત્યાં લીધું હતું. આ વિસ્તાર વાવ વિધાનસભા ક્ષેત્રમાં પડતો હોઈ રાજ્યકક્ષાના પ્રધાન શંકર ચૌધરી પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
મુખ્ય પ્રધાને આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ કરાવવાની તથા પીવાના પાણીનો સપ્લાય નિયમિત અને પૂરતા ફોર્સથી કરાવવાની ખાતરી જવાનોને આપી હતી. તેમણે જણાવ્યું કે, આ વિસ્તારમાં ટૂરિઝમના વિકાસ માટે સીમા દર્શનનો પ્રોજેક્ટ હાથ ઉપર લેવાશે, જેમાં મંજૂરી સાથે નાના જૂથવાર ટૂરિસ્ટને અહીં લાવી સીમા સુરક્ષા અંગે સમજણ આપવામાં આવશે.
વિજય રૂપાણીએ દિવાળીએ ગુજરાતના સૌ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સૌ નાગરિક ભાઈ-બહેનો માટે આવનારું નૂતન વર્ષ પ્રકાશ પર્વ અને સપનાંઓ પરિપૂર્ણ કરનારું આનંદ પર્વ બને તેવી મંગલકામનાઓ પાઠવી હતી.


