મુખ્ય સચિવની ઓફિસમાં બે રોબોટ દ્વારા મુલાકાતીઓને ચા-નાસ્તો!

Thursday 22nd November 2018 05:13 EST
 
 

ગાંધીનગર: ચીફ સેક્રેટરી ડો. જે. એન. સિંઘની ઓફિસમાં સોમવારે કારકૂનોને બદલે બે રોબોટ ચા-પાણી અને નાસ્તો લઈને આવતા દેખાયા હતા. સેક્રેટરીઓથી લઈને સામાન્ય વિઝિટર્સમાં રોબોટે કુતૂહલ સર્જ્યું હતું. સીએમઓ પછી રાજ્યમાં સૌથી સલામત ઓફિસમાં માણસને બદલે મશીનથી કામ લેવાનું શરૂ થયાનું બહાર આવતાં મોડી સાંજ સુધીમાં વાતની ચર્ચા થવા લાગી હતી.

સચિવાલયમાં બ્લોક નંબર એકના પાંચમાં માળે સીએસ ઓફિસ આવેલી છે. જ્યાં અગાઉ ગુજરાતના મુખ્ય પ્રધાનો આ ઓફિસથી રાજ્યનો વહીવટ સંભાળતા હતા. સોમવારે સવારે સીએસ ઓફિસના ફ્લોર પર પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ અને સીએચ ચેમ્બરની વચ્ચે બે રોબોટ ચા-પાણી અને નાસ્તાની પ્લેટ લઈને અવર જવર કરતા અનેક વિઝિટર્સે જોયા હતા. સીએસ ઓફિસમાં પટાવાળાના કામ માટે રોબોટ રાખવામાં આવ્યા હોવાની વાત સચિવાલયમાં પ્રસરતા અધિકારીઓ-કર્મચારીઓ પણ નવાઈ પામ્યા હતા અને રોબોટની કામગીરી જોવાનો લહાવો લીધો હતો. રોબોટને લઈ શરૂઆતમાં તો એવી વાતો વહેતી થઈ હતી કે, મહત્ત્વની મિટિંગોમાં કોઈ પણ વ્યક્તિનું ઇન્ટરફિયરન્સ ના રહે એટલે રોબોટ મુકાયા છે અર્થાત સીએસ ચેમ્બર કે તેની બાજુના કોન્ફરન્સરૂમમાં પટાવાળાને બદલે મશીનથી કામ લેવા આ પ્રકારના રોબોટ મુકાયા છે.

વાઇબ્રન્ટ સમિટ માટે રોબોટ

સોમવારે દિવસભર સીએસ ઓફિસની વીવીઆઈપી પેન્ટ્રીમાં રાખેલા રોબોટની ચર્ચા સચિવાલયમાં થતાં અનેક સવાલો ઊઠયા હતા. ચીફ સેક્રેટરી ડો. જે. એન. સિંઘનો સંપર્ક કરતા તેમણે ચા-પાણી, નાસ્તો અને ફાઈલ જેવી સામગ્રી લાવવા-લઈ જવા માટે રોબોટનો ઉપયોગ વાઇબ્રન્ટ સમિટમાં કરવાનું જણાવી પોતાની ઓફિસમાં માત્ર પ્રાયોગિક ધોરણે મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter